Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

આનંદો...હવે સ્વાસ્થ્ય વીમાનું પ્રીમીયમ હપ્તામાં ભરી શકાશેઃ ૬પ વર્ષથી ઉપરના પણ લાભ લઇ શકશે

ઇરડાની જાહેરાતઃ ૧ માસ, ૩ કે ૬ માસના આધારે વીમા પ્રીમિયમ પસંદગીનો વિકલ્પ મળશે

નવી દિલ્હી તા. રપ :.. વિમા વિનિયામક ઇરડાએ સ્વાસ્થ્ય વિમા ધારકોને મોટી રાહત આપતા પ્રિમીયમનું ચુકવણું દર મહીને, ત્રણ મહિને, છ મહીને અને વાર્ષિક એવા વિકલ્પોના આધારે કરી દીધુ છે. ઇરડાએ આ સંદર્ભે સોમવારે એક સર્કયુલર બહાર પાડયો છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સ્વાસ્થ્ય વિમાનું પ્રીમીયમ વાર્ષિક રીતે જ થતું હતું. સાથે જ ઇરડાએ કંપનીઓને ૬પ વર્ષથી વધુ વયના લોકોને વીમો આપવાની મંજૂરી આપી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાથી સ્વાસ્થ્ય વિમો ખરીદવો હવે વધુ સરળ બની ગયો છે. આ ફેરફારના કારણે મોટી ઉમરના લોકોને પણ હવે સ્વાસ્થ્ય વિમો મળશે. આ ઉપરાંત જો વિમા કંપની ગંભીર બિમારીમાં કંઇ ફેરફાર કરે તો તેની માહિતી તેણે ઇરડાને આપવી પડશે.

બજાજ એલીયસ જનરલ ઇન્સ્યોરન્સના પ્રમુખ રશ્મિ નંદર્ગીએ જણાવ્યું કે ઇરડાના આ નિર્દેશ પછી સ્વાસ્થ્ય વીમો ખરીદવો વધુ સહેલો બની જશે. હપ્તામાં પ્રિમીયમ ચુકવવાનો વિકલ્પ મળવાથી સામાન્ય લોકો માટે મોટું કવર ખરીદવું સરળ બની જશે. અત્યાર સુધી વાર્ષિક પ્રિમીયમનો જ વિકલ્પ હતો. જે નોકરીયાત વર્ગ માટે મુશ્કેલી ઉભો કરતો હતો. આગામી દિવસોમાં સ્વાસ્થ્ય વિમાની માંગ વધશે.

(11:29 am IST)