Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શિકારીનો થયો 'શિકાર': ઈમરાનખાન 'નિષ્ફળ'

પાક વડાપ્રધાનની અમેરીકા યાત્રા ફેઈલઃ ઘર આંગણે વિપક્ષ-મીડીયાએ ઘેર્યા ! : પાછલી યુ.એસ. યાત્રા સફળ થયાનો દાવો પણ બન્યો હાસ્યાસ્પદઃ પ્રેસ કોન્ફરન્સમાં માળા જપતા થયા 'કલીક' : પ્રેસ કોન્ફરન્સમાં મોદી-ટ્રમ્પ મોજેમોજમાં તો ઈમરાનખાન ચિંતિત-માળા જપતા દેખાયા

ઈસ્લામાબાદ, તા. ૨૫ :. કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવા નિકળેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાનની હાલત સામે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનો શિકાર કરવા નિકળેલા નાપાક શિકારીનો જ શિકાર થઈ ગયો હોય તેવી હાલત થઈ છે. અમેરીકાની યાત્રામાં ન ઘરના ન ઘાટના જેવા નજરે પડતા ઈમરાનને ઘર આંગણે પણ વિપક્ષ અને મીડીયા આડે હાથ લઈ રહ્યા છે. ન્યુયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પ સામે સાવ નર્વસ નજરે પડેલા ઈમરાન હાથમાં માળા લઈને આખા જગતને કહી રહ્યા છે કે 'દુવાઓ મે યાદ રખના' !

અમેરીકામાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદીની જુગલબંદીથી પાકિસ્તાની વડાપ્રધાન તથા પાકિસ્તાન અખબાર જગતના પેટમાં રીતસરનું તેલ રેડાયુ છે. અમેરીકાની અગાઉની યાત્રાને સફળ બતાવનાર ઈમરાનખાન અને પાક મીડીયા હવે ટ્રમ્પ અને ઈમરાનખાન ઉપર માછલા ધોઈ રહ્યા છે. ઈમરાનખાનની વર્તમાન યાત્રા તો સાવ ફિક્કી જોવા મળી રહી છે પરંતુ અગાઉની યાત્રાની સફળતાનો દાવો પણ હાસ્યાસ્પદ બની રહ્યો છે.

ઈમરાનખાનની રાજનીતિ સાવ નિષ્ફળ નિવડી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પાકિસ્તાનની વિદેશ નીતિ માટે મોટી ચુનૌતી બની ગયુ છે ત્યારે ઈમરાનખાનની હાલત અત્યારે ભારે દયનીય બની ગઈ છે.

પાકિસ્તાની વિપક્ષ તથા મીડીયા અત્યારે ઈમરાનખાન સરકાર ઉપર માછલા ધોઈ રહ્યા છે ત્યારે જીયો ન્યુઝના જાણીતા ન્યુઝ એન્કર હામિદ મીરે તો ત્યાં સુધી બ ળાપો ઠાલવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સામે ખુદ એક પાર્ટી બની ગયા છે જે પાકિસ્તાની વિદેશ નીતિ માટે એક મોટી ચેલેન્જ છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કટ્ટર ઈસ્લામીક આતંકવાદને લઈને જે સ્પષ્ટ બ્યાન કર્યુ છે તેનાથી આતંકવાદને પોષતા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે.

રાજકારણ અને કુટનીતિમાં પણ મુખ્ય આગેવાનોની બોડી લેંગ્વેજનું ઘણુ મહત્વ હોય છે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-અમેરીકાની ભાઈબંધી અને સારા સબંધોને લઈને ખુશમિજાજમાં નજરે પડી રહ્યા છે અને આ જામેલી દોસ્તીની દુનિયાભરમાં ચર્ચા જાગી છે ત્યારે બીજી તરફ ન્યુયોર્ક પ્રવાસે રહેલા ઈમરાનખાનનો ચિંતિત અને મુરજાયેલો ચહેરો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ન્યુયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાનખાન ભારે ચિંતિત અને સાવ નર્વસ નજરે પડયા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પની બાજુમાં તેનો ચહેરો સાવ મુરજાયેલો દેખાતો હતો અને હવે કોઈ ગેબી શકિતનો જ સહારો હોય તેમ હાથમાં માળાથી પત્નિએ બતાવેલા 'જાપ' જપતા નજરે પડયા હતા જેની દુનિયાભરના મીડીયાએ નોંધ  લીધી  હતી.

(11:28 am IST)