Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મુસ્લિમ પક્ષકારે પણ સ્વીકાર્યુ

શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો

વિવાદ માત્ર જગ્યાને લઇને છેઃ રામ ચબુતરાને જન્મ સ્થળ માનવામાં વાંધો નથી

નવી દિલ્હી તા. રપ : અયોધ્યા કેસમાં સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષકારે કહ્યું કે રામ ચબુતરો જન્મ સ્થાન છે. એવું કહેવામાં કોઇ વાંધો નથી કેમ કે આ પહેલા ત્રણ કોર્ટ આવું કહી ચુકી છે, પણ અમારો દાવો આખા વિસ્તાર અંગે છે. મુસ્લિમ પક્ષકારોની એવી પણ દલીલ છે કે મંદિર તોડીને મસ્જીદ નથી બનાવાઇ પણ ખાલી જગ્યા ઉપર બનાવાઇ છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ સુન્ની વકફ બોર્ડ તરફથી જફરયાબ જીલાનીએ દલીલો રજૂ કરી હતી. આ પહેલા સીનીયર એડવોકેટ રાજીવ ધવને સુન્ની વકફ બોર્ડ તરફથી દલીલો રજૂ કરી હતી. જે ૧૪ દિવસ ચાલી હતી. આજે ફરીથી આ કેસની સુનાવણી થશે.હિંદુ પક્ષકારો દ્વારા કહેવાયું હતું કે ૧૯૩૪ પછી મસ્જીદ નહોતી, પણ તે પહેલા આવો કોઇ દાવો નહોતો. અંદરના પ્રાંગણમાં કોઇ પ્રકારની પુજા નહોતી થતી. મસ્જીદના વચ્ચેના ગંુબજ નીચેના ભાગમાં કયારેય પૂજા નથી થઇ. ૧૯૪૯ માં ત્યાં ખોટી રીતે મુર્તિ રાખી દેવાઇ હતી. મુસ્લિમ પત્રકારોના વકીલ રાજીવ ધવને ઉપરોકત દલીલો કરતા કહયું હતું કે હિંદુ માન્યતાઓ અને ધર્મશાસ્ત્ર અનુસાર મુર્તિ ખોટી રીતે ન રાખી શકાય. તેનાથી જમીનનો માલિકી હકક ન મળી શકે. જયારે ત્યાં વિવાદ ઉભો થયો તો પુજા રોકી દેવાઇ હતી. ૧૯૪૯ પહેલા રામ ચબુતરા પર પુજા થતી હતી. પણ અંદરના પ્રાંગણમાં કયારેય પુજા નથી થઇ. આખો વિસ્તાર મુસ્લીમો ના કબ્જામાં હતો. પુરાવાઓ જણાવે છે. મસ્જીદનું રિપેરીંગ થતું રહ્યું હતું. જુના સમયમાં બાદશાહ મસ્જીદના મુતવલ્લીને મસ્જીદની દેખભાળ માટે વાર્ષિક ૩૦ર રૂપિયા આપતા હતાં.

(11:24 am IST)