Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મોદી-ડોભાલ જૈશના હીટલીસ્ટમાં: ખાસ ટુકડી તૈયાર કરે છે

ભારતમાં જૈશના નાલાયકોનો વીણીવીણીને સફાયો થતાં પાક સ્થિત જૈશ બદલો લેવા ઉતાવળું: ઇન્ટલીજન્સ એજન્સીને ત્રાસવાદીઓની ગુપ્ત વાતચીતની જાણ થઇઃ દેશના ૩૦ શહેરોની પોલીસને એલર્ટ રહેવા તાકીદ

નવી દિલ્હી, તા.૨પઃ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ પર હુમલા માટે આતંકવાદીઓનું ખાસ ગૃપ તૈયાર કરી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓના સૂત્રોએ કહ્યું કે જૈશ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાના બદલા માટે મોટો હુમલો કરવા માંગે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો એક મેજર આ 'સનસનીખેજ હુમલા'ની તૈયારીમાં જૈશની મદદ કરી રહ્યું છે.

એક વિદેશી ગુપ્તચર એજન્સીને જૈશના પાકિસ્તાની આતંકવાદી શમરેશ વાણી અને તેના આકાની વચ્ચે થયેલી લેખિત વાતચીતની ખબર પડી. આ વિદેશી એજન્સીએ આ માહિતી ભારતના ગુપ્તચર અધિકારીઓને આપી. એક મીડિયા રિપોર્ટસના મતે સપ્ટેમ્બર મહિનામાં એક મોટા આતંકવાદી હુમલાની યોજનાનો ઉલ્લેખ છે.

આ ઇનપુટના આધાર પર જમ્મુ, અમૃતસર, પઠાનકોટ, જયપુર, ગાંધીનગર, કાનપુર અને લખનઉ સહિત કુલ ૩૦ અતિસંવેદનશીલ શહેરોની પોલીસને સાવચેત કરાઇ છે. સાથો સાથ એનએસએ ડોભાલની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઇ છે. ડોભાલે આર્મીના ઉરી કેમ્પ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાની સરહદમાં ઘૂસીને કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇક અને પુલવામામાં આત્મદ્યાતી હુમલા બાદ બાલાકોટમાં વાયુસેનાના વિધ્વસંક હુમલામાં રણનીતિ બનાવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. આથી તેઓ પણ પાકિસ્તાની આતંકવાદીઓના નિશાના પર છે.

ભારતમાં જૈશના કર્તાહર્તાઓને સેનાએ પકડી-પકડીને ઠાર કર્યા છે. આથી જ પાકિસ્તાન સ્થિત જૈશનો ચીફ બદલો લેવા માટે બેતાબ છે. બાલાકોટમાં જૈશના ઠેકાણા પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો એટલે તેઓ વધુ અકળાયા છે. ઇન્ટેલીજન્સ સૂત્રોએ કહ્યું કે ૫મી ઓગસ્ટના રોજ ભારત સરકારે કલમ ૩૭૦ હટાવાની જાહેરાત કરી તો જૈશે ભારતની ટોચની હસતીઓ પર હુમલો કરીને બદલો લેવાની કસમ ખાઇ લીધી છે.

જૈશ-એ-મોહમ્મદ ૫મી ઓગસ્ટ બાદથી પોતાના ફિદાયીન સરહદ પાર કરવાની સતત ફિરાકમાં છે. તેઓ પુલવામાં જેવા જ મોટા આત્મદ્યાતી હુમલા કરવા માંગે છે. તને પાકિસ્તાન આર્મીની બોર્ડર એકશન ટીમ (બેટ)નું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના હાજી પીર સેકટરમાં ૧૨-૧૩ સપ્ટેમ્બરની રાત્રે એકત્ર થયેલા આત્મઘાતી હુમલાખોરનું ગ્રૂપ દેખાયું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીની આ કોશિષને નિષ્ફળ કરી દીધી હતી.

(10:05 am IST)