Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જમ્મુ કાશ્મીરને ધણધણાવવાનું ષડયંત્રઃ ડ્રોનથી ૮૦ કિલો શસ્ત્રો-દારૂગોળો મોકલાયા

ભારતીય એજન્સીઓ ચોંકીઃ ખાલીસ્તાની આતંકી સમુહ દ્વારા શસ્ત્રો-દારૂગોળો મોકલવામાં આવ્યો હોવાનો ધડાકોઃ આ બારામાં કુલ ૪ વ્યકિતની ધરપકડઃ પંજાબના મુખ્યમંત્રીએ આ મામલે અમિત શાહની મદદ માગીઃ પંજાબ અને પાડોશી રાજ્યોમાં પણ હુમલાનું ષડયંત્રઃ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો ઝડપાયા

નવી દિલ્હી, તા. ૨૫ :. સીમા પારથી પાકિસ્તાન દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી શસ્ત્રો તથા કારતૂસોની ખેપ મોકલવાની હાલમાં બનેલી ઘટનાથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. કુલ ૮૦ કિ.ગ્રા. હથીયાર (શસ્ત્રો અને દારૂગોળો)ની ખેપ ભારતમાં પાડવામાં માટે લગભગ ૮ ડ્રોનને ૯ થી ૧૬ સપ્ટેમ્બર વચ્ચે પાકિસ્તાન સ્થિત ખાલીસ્તાની આતંકી સમૂહ દ્વારા પંજાબમાં સીમા પારથી મોકલવામાં આવી હતી. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન હવે ડ્રોનનો ઉપયોગ કરી ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ શસ્ત્રો અને દારૂગોળાની આ સમગ્ર ખેપ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને અંજામ આપવાના હેતુથી મોકલવામાં આવી હતી. આઈએસઆઈ સમર્થિત ખાલીસ્તાન જિંદાબાદ ફોર્સના નેટવર્ક થકી આ ખેપ મોકલવામાં આવી હતી. ૨૨ સપ્ટે.ના રોજ પંજાબ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી ખાલીસ્તાન જિંદાબાદ ફોર્સના આતંકી મોડયુલના ખુલાસાનો દાવો કર્યો હતો જેને પાકિસ્તાન અને જર્મન સ્થિત સમુહનુ સમર્થન હતુ. પોલીસે કહ્યુ છે કે, આતંકી સમુહ પંજાબ અને પાડોશી રાજ્યોમાં વિસ્ફોટો કરવાનું ષડયંત્ર રચી રહ્યુ છે. આ ત્રાસવાદીઓ પાસેથી ૫ એ.કે. ૪૭, રાઈફલ, પિસ્તોલ, સેટેલાઈટ ફોન અને હાથ બોંબ સહિત મોટા જથ્થામાં શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા.

ડ્રોનથી શસ્ત્રો ઠાલવવાના મામલામાં પંજાબ પોલીસે અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક ૨૨ વર્ષનો યુવક પણ છે. આતંકીઓ પણ હવે નવી ટેકનિક અપનાવી રહ્યા છે અને ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ કાશ્મીર ખીણમાં ઘુસણખોરી આતંકવાદ અને ઉગ્રવાદને પોષણ આપવા માટે થઈ છે. જર્મની સ્થિત ગુરમીતસિંઘ પણ તેમને મદદ કરતો હતો. પંજાબના સી.એમ. અમરીન્દરે આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો ગણાવ્યો હતો અને કેસ એનઆઈએને સોંપ્યો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્રને અપીલ કરી છે કે, વાયુદળ અને બીએસએફ આ પ્રકારના ડ્રોનના ખતરા સામે રક્ષણ આપે. સીએમ એ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની પણ મદદ માગી છે.(૨-૨)

(10:05 am IST)