Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

બુસ્ટર પેકેજ બાદ દલાલ સ્ટ્રીટમાં જોરદાર તેજી રહેવાના સ્પષ્ટ સંકેત

જુદા જુદા આઠ પરિબળોની સીધી અસર બજાર પર રહેવાના સંકેત : વૈશ્વિક મોરચા પર નકારાત્મક માહોલ પરંતુ નાણામંત્રી દ્વારા વિવિધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં નવી આશાની સાથે તેજીના ભણકારા

મુંબઈ, તા. ૨૫ : નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અર્થતંત્ર માટે બુસ્ટર પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં બજારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. માર્કેટમાં તેજી વચ્ચે કારોબારીઓમાં ઘુસીની લહેર જોવા મળે તેવી શક્યતા છે. હાલમાં વૈશ્વિક મોરચા પર મંદીની અસર રહી છે પરંતુ નાણામંત્રીની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલે કારોબાર શરૂ થયા બાદ નિફ્ટીમાં આશરે બે ટકાનો ઉછાળો આવી શકે છે પરંતુ વૈશ્વિક ઘટનાક્રમ તેજી ઉપર અસર કરશે અને દલાલસ્ટ્રીટમાં અસર ઓછી રહી શકે છે. અમેરિકી પ્રમુખ દ્વારા ચીનને આપવામાં આવેલી ચેતવણીથી ફરીવાર તંગદિલી વધી છે. એફપીઆઈ અને સ્થાનિક રોકાણકારો માટે બુસ્ટરની જાહેરાત કરવામાં આવી ચુકી છે જેના ભાગરુપે હવે તેજી રહેશે. એફપીઆઈ જેવા ઇન્વેસ્ટર્સ કેટેગરી ઉપર સરચાર્જને દૂર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં સુધારો થશે. નાણામંત્રીએ વર્ષ ૨૦૨૨માં ઇન્કમ ઉપર એચએન સરચાર્જની સમીક્ષા કરવાની ખાતરી પણ આપી છે.

          આ ઉપરાંત જે પરિબળોની અસર રહેનાર છે તેમાં અમેરિકા-ચીનના ટ્રેડવોર, આરબીઆઈ બોર્ડની બેઠક, જીડીપીના ડેટા, પીએસયુ બેંકના આંકડા અને રિયાલીટી અને હાઉસિંગ શેર ઉપર તેજીની અસર રહી શકે છે. ઓટો શેરમાં પણ તેજીની સ્થિતિ રહેવાના સંકેત છે. આરબીઆઈ બોર્ડની બેઠકની અસર પણ જોવા મળશે. આવતીકાલે કારોબાર શરૂ થયા બાદ તમામની નજર પીએસયુ બેંકના શેર ઉપર કેન્દ્રિત થઇ જશે. પીએસયુ બેંક માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી ચુકી છે જેના લીધે કેશફ્લોમાં વધારો થશે. સાથે સાથે તમામ પ્રકારની લોન સસ્તી થશે. રિયલ એસ્ટેટ ડેવલપર્સના શેરમાં પણ તેજી રહી શકે છે. કારણ કે નાણામંત્રીએ આગામી સપ્તાહમાં આવાસની ખરીદી કરનાર લોકોની ચિંતાને દૂર કરવા વધુ પગલા જાહેર કરી શકે છે. આગામી થોડાક દિવસોમાં વધુ પગલાની જાહેરાત થનાર છે. ઓટોના શેરમાં પણ ઉલ્લેખનીય સુધારો થઇ શકે છે કારણ કે, આના માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે.

            ડિપોઝિટરી ડેટાના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

(8:16 pm IST)