Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જમ્મુ : કાશ્મીરમાં બધું સમુસુતરું હોવાના દાવા વચ્ચે કોંગ્રેસના રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટ થી પાછા ધકેલી દેવામાં આવ્યા : એરપોર્ટ પર પત્રકારો સાથે ધક્કામુક્કી અને મારપીટ

કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણના પગલે આજે કાશ્મીરના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના ૧૧ નેતાઓને શ્રીનગર એરપોર્ટ થી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. આ પહેલાં કોંગ્રેસના રાજ્યસભાના નેતા અને વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ ને બે વખત એરપોર્ટથી પાછા તગેડી મૂકવામાં આવેલ. જેથી સૌને શંકા જાય છે કે કાશ્મીરમાં ખરેખર બધું સામાન્ય છે ખરા ?

     રાજ્ય સરકારના તીખા તેવરનો સ્વાદ દિલ્હીથી રાહુલની સાથે આવેલા પત્રકારોના જૂથને પણ ચાખવો પડેલ અને આ પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી અને કેટલાકની રીતસર પિટાઈ પણ થઈ હતી.  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ૩૭૦મી કલમ હટાવ્યા પછી શ્રીનગર અને કાશ્મીરની પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે આજે શ્રીનગર આવી પહોંચ્યા હતા પરંતુ તેમને શ્રીનગર એરપોર્ટ ઉપર રોકી લેવામાં આવ્યા અને દિલ્હી પાછા મોકલી દેવામાં આવેલ. રાહુલ ગાંધી ૧૧ વિરોધ પક્ષના નેતાઓ સાથે શ્રીનગર હવાઈ અડ્ડા ઉપર જેવા પહોંચ્યા તે સાથે જ એરપોર્ટ ઉપર હંગામો મચી ગયેલ અને આ તમામ નેતાઓને એરપોર્ટની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવેલ.

     જમ્મુ કાશ્મીર સરકારે ગઇરાત્રે જ એક નિવેદન જાહેર કરી આ રાજકીય નેતાઓને કાશ્મીર ખીણની યાત્રા નહીં કરવા કહ્યું હતું. તેમણે કહેલ કે ધીમે ધીમે શાંતિ અને જનજીવન સ્થિર કરવામાં તેમની મુલાકાતથી તકલીફ સર્જાશે. વિરોધ પક્ષના નેતાઓના પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, ડી રાજા, શરદ યાદવ, મનોજ ઝા, માજિદ મેમણ વગેરે સામેલ હતા. કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે કાશ્મીર માં શરમજનક અઘોષિત કટોકટી પ્રવર્તી રહી છે. શ્રીનગર માં રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી દળના મુખ્ય નેતાઓને હિરાસતમાં લેવામાં આવેલ છે. તેમની સાથે ગયેલા પત્રકારો સાથે મારપીટ કરવામાં આવી હતી. કેટલાક પત્રકારોને ઈજા પણ થઈ છે. કાશ્મીરમાં ભાજપ દ્વારા જે ખરાબ સ્થિતિ સર્જવામાં આવી છે તેનું આ ઉદાહરણ છે તેમ પણ નિઝામીએ જણાવેલ. (સુરેશ ડુગર દ્વારા)

(12:00 am IST)