Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

૩ વર્ષમાં ચાઇલ્ડ હેલ્પલાઇનને મળ્યા ૧.૩૬ કરોડ 'સાઇલન્ટ' કોલ્સ : કોલરને અપાય છે હિંમત

કોલર ઇચ્છે છે ઇમોશ્નલ સપોર્ટ : દુર્વ્યવહાર સામે રક્ષણ માંગતા આવે છે કોલ

નવી દિલ્હી તા. ૨૫ : એપ્રિલ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૮ સુધીમાં ચાઈલ્ડ હેલ્પલાઈનને ૩.૪ કરોડથી વધુના કોલ આવ્યા છે. આ કોલ્સમાંથી ૧.૩૬ કરોડ જેટલા કોલ્સ સાઈલન્ટ હતા. એટલે કે આ કોલમાં બેકગ્રાઉન્ડમાં આવતા અવાજો સંભળાતા હોય પરંતુ ફોન કરનાર વ્યકિત દ્વારા કશું જ બોલવામાં ન આવે. થોડી મિનિટો સુધી ફોન એ જ રીતે જોડેલો રાખે અને પછી કાપી નાખી. કંઈ પણ બોલ્યા વિના મદદ માગવાનો પ્રયાસ હતો.

ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશનના હર્લિન વાલિયાએ કહ્યું કે, '૧૦૯૮ દ્વારા આવા સાઈલન્ટ કોલ્સની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે.ે ડેટા પ્રમાણે, ૨૦૧૫-૧૬માં સાઈલન્ટ કોલની સંખ્યા ૨૭ લાખ હતી જે વધીને ૨૦૧૬-૧૭માં ૫૫ લાખથી વધુ થઈ. ૨૦૧૭-૧૮માં કોલ્સ ૫૩ લાખથી વધારે છે.

હર્લિન વાલિયાએ કહ્યું કે, સાઈલન્ટ કોલ આવે ત્યારે હેલ્પલાઈનમાં કામ કરતા વ્યકિત દ્વારા સાઈલન્ટ કોલરને હિંમત આપવામાં આવે છે જેથી તે પોતાની સમસ્યા જણાવી શકે. સાઈલન્ટ કોલર્સ બાળકો અથવા તો પુખ્ત વ્યકિત પણ હોઈ શકે છે, જે ફરી ફોન કરીને તકલીફમાં રહેલા બાળકની માહિતી આપવાનો પ્રયાસ કરતું હોય. પહેલા કોલમાં બાળક ભાગ્યે જ બોલવાની હિંમત કરે છે એટલે કાઉન્સેલર તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે એટલે બાળક બોલે.

રસપ્રદ બાબત એ છે કે કોલ્સ આવે છે તેમાં કોલર ઈમોશનલ સપોર્ટ ઈચ્છે છે. જેનું કારણ છે માતા-પિતાનું અલગ થવું, ઘરનું વાતાવરણ સારું ન હોવું. આવા કિસ્સા મોટાભાગે ધનિક પરિવારોમાં જોવા મળે છે. ૩.૪ કરોડથી વધારે કોલ્સ આવ્યા હોવા છતાં હેલ્પલાઈન વચ્ચે પડે તેવું ૬ લાખ જેટલા જ કોલર્સ ઈચ્છતા હતા. આ આંકડો આવેલા ફોનની સંખ્યા કરતાં ખૂબ નાનો છે પરંતુ મહત્વનો છે કારણકે આટલા બાળકો મદદ માગી રહ્યા છે. ડેટા પ્રમાણે ૨૦૧૫-૧૬માં હેલ્પલાઈન વચ્ચે પડે તેવું ઈચ્છતા કોલર્સની સંખ્યા ૧.૭ લાખ હતી જે ૨૦૧૬-૧૭માં ૨.૧ લાખ અને ૨૦૧૭-૧૮માં ૨.૩ લાખ થઈ.

૬ લાખમાંથી ૨ લાખ કરતાં વધુ કેસ એવા હતા જે અબ્યુઝ સામે પ્રોટેકશન માગતા હતા. ૨૦૧૭-૧૮માં જ હેલ્પલાઈનને આ પ્રકારના રક્ષણ માટે ૮૧,૧૪૭ જેટલા ફોન આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ચાઈલ્ડ પ્રોટેકશન સર્વિસ સ્કીમ છે, જેનો અમલ ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામના NGO દ્વારા થયો છે. દેશના જુદા-જુદા જિલ્લાઓમાં ચાઈલ્ડ લાઈનની શાખાઓ છે.

રેસ્કયુ, આશરો માગવો, ગુમ થવું અને બાળકો માટે મેડિકલ હેલ્પ સિવાય હેલ્પલાઈન પાસે ઈમોશનલ સપોર્ટ અને માર્ગદર્શન માટે આવતા કોલ્સની સંખ્યા પણ વધી છે. ઘણા કોલર્સ બાળકો હતા અથવા તો તેમના હિતેચ્છુઓ હતા. આ પ્રકારના કોલ્સ મુખ્યત્વે મીડલ કલાસ અને અપર મીડલ કલાસ પરિવારના બાળકો કે હિતેચ્છુઓ કરે છે. આ પાછળનું કારણ તેમના માતા-પિતાના ડિવોર્સ છે. ૩ વર્ષમાં ૬૬,૦૦૦થી વધુ કોલ્સ આવ્યા છે. જેમાં ઈમોશનલ સપોર્ટ અને ગાઈડન્સ માંગવામાં આવ્યું હોય. ૨૦૧૫-૧૬માં આવા કોલ્સનો આંકડો ૧૭,૮૨૮ હતો જે ૨૦૧૬-૧૭માં ૨૨,૯૨૬ થયો અને ૨૦૧૭-૧૮માં ૨૫,૭૨૪એ પહોંચ્યો.(૨૧.૬)

(11:50 am IST)