Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

૧૦ વર્ષ સત્તામાં રહી કોંગ્રેસમાં અભિમાન આવી ગયું હતું : અમે સબક શીખ્યા : રાહુલ ગાંધી

એક ઉદ્યોગપતિને લાભ અપાવવા બદલી રાફેલ ડીલ

લંડન તા. ૨૫ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મળેલી હારથી પક્ષે પાઠ લીધો છે. સાથોસાથ તેમણે એ બાબતનો સ્વીકાર પણ કર્યો છે કે, ૧૦ વર્ષ સત્તામાં રહેવાના કારણે પક્ષમાં અમુક હદ સુધી દંભ આવી ગયો હતો અને અમે તેમાંથી સબક લીધો. તેમણે કહ્યું છે કે, નેતૃત્વનું કામ બધાને સંભાળવાનું છે પક્ષ તરીકે કોંગ્રેસમાં ઘમંડ આવી ગયું હતું તેથી એ ભૂલવું ન જોઇએ કે પક્ષ હકીકતે લોકો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે બ્રિટનમાં અનેક અબજ ડોલરની રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભાજપ સરકાર પર દેવામાં ફસાયેલા એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવા માટે કરારમાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસ (એલએસઈ)માં નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમનાઈ યુનિયન (બ્રિટન) સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ઉદ્યોગપતિનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો. જેની પાસે વિમાન ઉત્પાદનમાં કોઈ અનુભવ નહતો.

રાહુલ ગાંધી આ ડીલને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે અને તેના પર યુપીએના પૂર્વ શાસનમાં નક્કી થયેલા કરાર કરતા વધુ કિંમત પર કરારનો આરોપ લગાવી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મળેલી હારથી પાર્ટીએ પાઠ ભણ્યો છે અને સ્વીકાર્યુ છે કે ૧૦ વર્ષ સુધી સત્તામાં રહેવાના કારણે તેમનામાં એક 'હદ સુધી દંભ' આવી ગયો હતો.

ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડિઝમાં એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમને સાંભળ્યું હશે- નેતૃત્વનો હેતુ શીખવું છે. ગાંધીને જયારે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને ૨૦૧૪માં મળેલી હારથી શું શીખ્યું તો તેમણે કહ્યું કે ૧૦ વર્ષ સુધી સત્તામાં રહ્યાં બાદ કોંગ્રેસમાં એક હદ સુધી દંભ આવી ગયો હતો અને અમે પાઠ ભણ્યાં.

રાહુલે કહ્યું કે ભારત નોકરીઓ આપીને જ પોતાનુ કદ વધારી શકે છે અને ભારતમાં નોકરીઓનું સંકટ છે. તેમણે કહ્યું કે ચીન જયાં પ્રત્યેક ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ નોકરીઓનું સર્જન કરે છે ત્યાં ભારત આ જ સમયમાં માત્ર ૪૫૦ નોકરીઓની તકો ઊભી કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત પોતાનો પ્રભાવ કેવી રીતે વધારી શકે જયારે તમે મૂળ તત્વોની જ અવગણા કરતા હોવ.(૨૧.૬)

 

(11:49 am IST)