Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

હાર્દિકના ઉપવાસ આંદોલનને પગલે પાસ કન્વીનરોની અટકાયત અને નજરકેદના પગલા

ગ્રીનવુડ રીસોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો

રાજકોટ, તા. ૨૫ : કન્વીનર હાર્દિક પટેલ આજથી આમરણાંત ઉપવાસ કરશે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાટીદાર સમાજને અનામત મળે તેવી બે મુખ્ય માંગણી સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે. અન્ય જગ્યાએ ઉપવાસની મંજૂરી ન મળતા હાર્દિક હવે પોતાના દ્યરે જ આંદોલન કરશે. હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહોનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાર્દિકની ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે. શનિવારે ત્રણ વાગ્યાથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ શરૂ કરશે.

સાબરકાંઠાના વડાલીના પાસના કન્વીનરની અટકાયત કરવામાં આવી છે. લોકોને જિલ્લામાંથી આંદોલનમાં જતા રોકવા માટે ૧૦૦ પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.

હાર્દિકના ઉપવાસના પગલે મહેસાણામાં પાસના કન્વીનર સતિષ પટેલ અને સુરેશ ઠાકરને નજરકેદ કરવામાં આવ્યા છે. ઉપવાસને લઈને તેમની અટકાયત થઈ શકે છે. હાલ બંનેને તેમના નિવાસ્થાને જ નજરકેદ રખાયા છે.

પાસની અખબાર યાદીના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને સરકાર અને પોલીસ જે રીતે લોકશાહીનું હનન કરી રહ્યા છે તેમજ પાસના કાર્યકરોને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે તેને લઇને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ પહેલા હાર્દિક પટેલ પત્રકાર પરિષદ સંબોધશે.

અમદાવાદ ખાતે હાર્દિક પટેલના ઉપવાસને પગલે સુરતમાં પણ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, કતારગામ સહિત વિસ્તારોમાં પોલીસ  તહેનાત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી હાર્દિકના સમર્થન માટે અમદાવાદ જશે તેવી માહિતી મળી છે. (૩૭.૬)

(11:43 am IST)