Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

દિલ્હીની ‘‘આપ’’ સરકારે ડિમાન્ડ કરતા ૪ ગણી માંગણી કરી : ઓકિસજન તો મળ્યો પરંતુ કોઇને મદદ ન મળી

નવી, તા. રપ : કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સર્જાયેલા ઓક્સિજન સંકટથી ભારે હાહાકાર મચ્યો હતો. તે સમયે મોટા મોટા શહેરોમાં લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યા હતા અને હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની ભારે તંગી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે એક ઓક્સિજન ઓડિટ ટીમ બનાવી હતી જેનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં દિલ્હી સરકારે તે સમયે ઓક્સિજન સંકટના જે દાવા કરેલા તેના સામે સવાલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે જ્યારે દિલ્હી સરકાર ૧,૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની માગને લઈ ઉહાપોહ કરી રહી હતી તે સમયે દિલ્હીને ફક્ત ૩૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી.

રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે દિલ્હીની આ માગણીના કારણે આશરે ૧૨ રાજ્યોમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી કારણ કે, તે સમયે જે માગણી થઈ રહી હતી તેના પ્રમાણે ઓક્સિજનનો વધારાનો સપ્લાય દિલ્હી પહોંચાડાઈ રહ્યા હતો.

ઓક્સિજન ટાસ્ક ફોર્સના કહેવા પ્રમાણે ૨૯ એપ્રિલથી ૧૦ મે વચ્ચે કેટલીક હોસ્પિટલોના ડેટા ઠીક કરવામાં આવ્યા. દિલ્હી સરકારે આ દરમિયાન ૧૧૪૦ એમટી ઓક્સિજનની જરૂર દર્શાવી હતી પરંતુ કરેક્શન બાદ તે ડેટા ૨૦૯ એમટીએ પહોંચ્યો હતો.

ટાસ્ક ફોર્સ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે, દેશમાં ઓક્સિજન નિર્માણ માટે એક નીતિ હોવી જોઈએ, મોટા શહેરોની આજુબાજુ નિર્માણની વ્યવસ્થા હોવી જોઈએ જેથી ૫૦ ટકા જેટલો સપ્લાય અહીંથી જ થઈ શકે. આ માટે દિલ્હી-મુંબઈને પ્રાથમિકતા અપાઈ શકે છે.

ઑડિટ પેનલના આ રિપોર્ટ બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટમાં લખ્યું હતું કે, જરૂર હતી તેના કરતા ૪ ગણા વધારે ઓક્સિજનની માગણી કરી જેથી બાકીના પ્રદેશોએ તેનું નુકસાન ઉઠાવવું પડ્યું અને તેમને તંગી અનુભવવી પડી. બૂમરાણ મચાવવાનું કોઈ દિલ્હી સરકાર પાસેથી શીખે.

દિલ્હી ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ ટ્વીટમાં લખ્યું હતું કે, દિલ્હી સરકારે ડિમાન્ડ કરતા ૪ ગણી વધુ માગણી કરી છતાં તેને કેન્દ્ર દ્વારા ઓક્સિજન સપ્લાય મળ્યો. પરંતુ હોસ્પિટલોમાં કોઈ મદદ ન કરવામાં આવી, દિલ્હીના લોકોઍ બ્લેક માર્કેટમાંથી ઓક્સિજન ખરીદવો પડતો હતો.

(1:27 pm IST)