Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા : અત્યાર સુધી ૮૫ દેશોમાં કેસ મળ્યા

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોનાની ચિંતા વધારનાર ચાર હાલના વેરિએન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામકરણવાળા આ વેરિએન્ટ વ્યાપક છે : WHO

સંયુકત રાષ્ટ્ર,તા.૨૫: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું કે, કોરોનાનો  ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી વિશ્વના ૮૫ દેશોમાં ફેલાઇ ચુકયો છે. તેનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. નવો વેરિએન્ટ જલદી અન્ય સ્થાને પહોંચી શકે છે. તેના સંક્રમણની ગતિ જો આ પ્રકારે યથાવત રહી તો તે જલદી કોરોનાનો સર્વાધિક ફેલાતો સ્ટ્રેન બની જશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ૨૨ જૂને કોરોના મહામારીના સંદર્ભમાં જારી સાપ્તાહિક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તર પર આલ્ફા વેરિએન્ટ ૧૭૦ દેશો, બીટા વેરિએન્ટ ૧૧૯ દેશો, ગામા વેરિએન્ટ ૭૧ દેશો અને ડેલ્ટા વેરિએન્ટ ૮૫ દેશોમાં ફેલાવાની સુચના આપવામાં આવી છે.

અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ જે વૈશ્વિક સ્તર પર ૮૫ દેશોમાં જોવા મળ્યો છે, હવે ડબ્લ્યૂએચઓના બધા ક્ષેત્રોમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં આ વેરિએન્ટનો પ્રકોસ ૧૦ દેશોમાં ફેલાયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોનાની ચિંતા વધારનાર ચાર હાલના વેરિએન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામકરણવાળા આ વેરિએન્ટ વ્યાપક છે અને ડબ્લ્યૂએચઓના બધા ક્ષેત્રોમાં મળ્યા છે. ડેલ્ટા વેરિએન્ટ આલ્ફાની તુલનામાં ખુબ ઝડપથી ફેલાય છે અને ઘાતક છે.

અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પાછલા સપ્તાહે (૧૪-૨૦ જૂન, ૨૦૨૧) કોરોનાના સૌથી વધુ કેસ ૪,૪૧,૯૭૬ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ દરમિયાન ૧૬૩૨૯ નવા મૃત્યુ થયા છે.

દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં પાછલા સપ્તાહની તુલામાં છ લાખથી વધુ નવા કેસ અને ૧૯ હજારથી વધુ નવા મોત થયા છે. પરંતુ પાછલાથી પાછલા સપ્તાહની તુલામાં તેમાં ક્રમશઃ ૨૧ ટકા તથા ૨૬ ટકાનો ઘટાડો થયો છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે સાપ્તાહિક મામલામાં ઘટતી પ્રવૃતિ અને ક્ષેત્રમાં મોતની ઘટનાઓમાં મુખ્ય રૂપથી ભારતમાં કોરોનાના મામલામાં કમીનું કારણ જોવા મળ્યું છે.

(10:23 am IST)