Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

'મહામિલાવટી' ગેંગ માટે રાષ્ટ્ર સુરક્ષા મહત્વની નથી

કેટલાકને તો 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' સામેય વાંધો : બિહારમાં મોદીના વિપક્ષ આરજેડી-કોંગ્રેસ પર આકરા પ્રહારો

દરભંગા તા. ૨૫ : બિહારના દરભંગામાં વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા રાજયની નીતીશ સરકારની પેટભરીને પ્રશંસા કરી હતી. કેન્દ્રે છેવાડાના ગામડાઓમાં વીજળી પહોંચાડી હોવાનું જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.ઙ્ગ તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને 'ભારત માતા કી જય'અને 'વંદે માતરમ'ના નારા સામે પણ વાંધો છે. શું આવા લોકોની જમાનત જપ્ત ના થવી જોઈએ.

મોદીએ જણાવ્યું કે ગરીબોના લાભ માટે આતંકવાદને નાથવો જરૂરી છે કારણ કે સુરક્ષા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેનો ઉપયોગ જન કલ્યાણ માટે કરી શકાય. મહામિલાવટી ગેંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કોઈ મુદ્દો નથી. જોકે આ નવું ભારત છે. આતંકવાદને નાથવા માટે ઘરમાં ઘૂસીને તેમનો ખાત્મો બોલાવવો પડશે તો તેમ કરવામાં પણ સરકાર ખચકાશે નહીં.

લોકસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મોદીએ વિપક્ષને આડેહાથ લેતા જણાવ્યું કે ત્રણ તબક્કાના મતદાનના રિપોર્ટ બાદ હવે વિપક્ષોએ એર સ્ટ્રાઈકના પુરાવા માંગવાનું બંધ કરી દીધું છે. પરાજયના સંકેત મળી જતાં વિપક્ષોએ હવે ઈવીએમની ખામીના બહાના શરૂ કરી દીધા છે.કોંગ્રેસની સરકારે ૨૦૦૯માં દરેક ગામોમાં વીજળી પહોંચાડવાનું વચન આપ્યું હતું જે પુરું કર્યું નથી. એનડીએ સરકારે પાંચ વર્ષમાં દરેક ગામડાઓમાં વીજળી પુરી પાડી છે. આગામી પાંચ વર્ષમાં જો અમે ફરીથી સરકારમાં આવીશું તો દરેક ગામ સુધી પાણી પણ પહોંચાડીશું. પાણી માટે અલગ મંત્રાલય પણ બનાવાશે તેનો ભાજપે ચૂંટણી ઢંઢેરામાં પણ ઉલ્લેખ કર્યો છે તેમ વડાપ્રધાન જાહેરસભામાં જણાવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોની જેમ માછીમારોને પણ ક્રેડિટ કાર્ડ સેવા પુરી પાડવામાં આવશે જેથી સરળતાથી ધીરાણ પ્રાપ્ત કરી શકે.

મોદીએ વિપક્ષ પર આક્ષેપ કર્યો કે કોઈએ પ્રજાનું ધ્યાન રાખ્યું નથી અને દરેકે પોતાનું ઘર ભરવામાં મહેનત કરી છે. આમ આ વખતની ચૂંટણીમાં દેશને મજબૂત બનાવવા માટે મજબૂત સરકાર લાવવાની જવાબદારી પ્રજાની છે અને મજબૂત સરકાર સાથે મજબૂત વડાપ્રધાનને ચૂંટવાની જવાબદારી પણ પ્રજાની છે. આતંકવાદને નાથવાનું કામ મોદી એકલાનું નથી પણ તેના માટે પ્રજાનો એક-એક મત કિંમતી છે. મોદીએ દરભંગામાં જાહેરસભાને એનડીએના ઉમેદવારોને મત આપીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

(3:34 pm IST)