Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જીએસટીની કમ્પોઝિશન સ્કીમમાં રિટર્ન ભરવાનું વધુ સરળ બનાવાયું

નવી દિલ્હી તા. ૨૫ : નાણાં મંત્રાલયે વસ્તુ અને સેવા વેરા (જીએસટી) હેઠળ કમ્પોઝિશન સ્કીમ અપનાવનારા કરદાતાઓને રાહત આપતા આવા વ્યાપારીઓને સરળ ફોર્મમાં ત્રિમાસિક ધોરણે 'સેલ્ફ-એસેસ્ડ ટેકસ' રિટર્ન ભરવા પરવાનગી આપી છે. કમ્પોઝિશન સ્કીમ અપનાવનારા કરદાતાઓએ અત્યાર સુધી ટેકસ રિટર્નમાં અંદાજે સાત પાનાંનું જીએસટીઆર-ફોર દર ત્રિમાસિક ધોરણે ભરવું પડતું હતું.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના જાહેરનામા મુજબ કમ્પોઝિશન સ્કીમ અપનાવનારા કરદાતાઓએ ૩૧મી માર્ચે પૂરા થતાં અગાઉના નાણાકીય વર્ષનું વાર્ષિક જીએસટીઆર-ફોર ૩૦મી એપ્રિલ સુધીમાં ભરવાનું રહેશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સે જાહેરનામામાં જણાવ્યું હતું કે કમ્પોઝિશન સ્કીમ અપનાવનારા કરદાતાઓએ ફોર્મ જીએસટી સીએમપી૦૮માં સરળ 'સ્ટેટમેન્ટ ફોર પેમેન્ટ ઓફ સેલ્ફ-એસેસ્ડ ટેકસ' ભરવાનું રહેશે.ત્રિમાસિક ગાળાના અંત પછીના મહિનાના ૧૮ દિવસમાં કરદાતાઓએ ફોર્મ જીએસટી સીએમપી ૦૮ ભરવાનું રહેશે અને તેમાં આઉટવર્ડ સપ્લાઇસ, ઇનવર્ડ સપ્લાઇસ, કર, ચૂકવવાનું વ્યાજ, ચૂકવેલું વ્યાજ જેવી વિવિધ વિગત હશે.

કમ્પોઝિશન સ્કીમમાં વ્યાપારીઓએ એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળાના રિટર્ન્સ જુલાઇમાં નવા સ્વરૂપમાં ભરવાના રહેશે. દોઢ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વ્યાપારીઓ અને ઉત્પાદકો આ સ્કીમમાં એક ટકો જીએસટી ભરે છે, જયારે રૂપિયા પચાસ લાખથી ઓછું ટર્નઓવર ધરાવનારા સર્વિસ પૂરી પાડનારા અને સપ્લાયર્સ છ ટકાના હિસાબે વેરો ભરે છે.

(10:26 am IST)