Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભાજપના ૧૦ ઉમેદવારના નામો જાહેર કરવામાં વિલંબ પાછળ આઇબી રિપોર્ટ કારણભૂત

ઉમેદવારોના નામો પસંદ કરતા અગાઉ સંઘની સાથોસાથ ગુપ્તચર બ્યુરો પાસેથી દાવેદારોની જન્મ કુંડળીઓ મંગાવ્યાની વાતને એક દાવેદારનું પણ સમર્થન : પોતાના હોમ સ્ટેટમાં નરેન્દ્રભાઇ અને અમિતભાઇ કંઇ કચાશ રાખવા માંગતા નથીઃ ઉમેદવારોના નામો જાહેર થયા બાદ મેદાને પડતી આઇબીએ પ્રથમ વખત મહત્વની ભુમીકા ભજવીઃ માત્ર ભાજપ જ આઇબી પાસે અનઓફીશ્યલ કામગીરી લ્યે છે તેવી માન્યતા ભૂલ ભરેલી, સ્વ.ઇન્દીરા ગાંધી પણ આઇબીની મદદ લેતાઃ એક સમયે આઇબીએ ઇન્દીરાજીને રાજી રાખવા ખોટો રીપોર્ટ આપ્યો અને કારમો પરાજય થયેલઃ ગત વિધાનસભામાં અમરેલી પંથકની તમામ બેઠકો ભાજપ ગુમાવશે તેવો ચોંકાવનારો રીપોર્ટ આઇબીએ આપેલોઃ ગુપ્તચર વિભાગ ચુંટણી દરમિયાન શાસક પક્ષ માટે કેવી ભુમીકા ભજવે છે? પડદા પાછળની રસપ્રદ કથા

રાજકોટ, તા., ૨૫: ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતની ર૬ બેઠકમાંથી સુરેન્દ્રનગરની બેઠક બાદ કરતા મોટા ભાગે  સીટીંગ ઉમેદવારો રીપીટ કરી તે નામો ફટાફટ જાહેર કરી પહેલ કરવાની ક્રેડીટ લઇ ખોખારો ખાધો પરંતુ બાકીના ૧૦ ઉમેદવારો જાહેર કરવામાં જે વિલંબ થઇ રહયો છે તેની પાછળ સંઘના સર્વેની સાથોસાથ આઇબીના ગુપ્ત રિપોર્ટ પણ કારણભૂત હોવાનું ટોચના સુત્રો જણાવે છે.

એમ કહેવાય છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખના હોમ સ્ટેટમાં એક પણ બેઠક ઓછી થાય તેવું કોઇ કાળે ઇચ્છનીય ન હોવાથી ભાજપ હાઇકમાન્ડ ખાસ કરીને  નરેન્દ્રભાઇ અને અમીતભાઇ અંગત રસ લઇ તમામે તમામ બેઠકના પાસા તપાસી રહયા છે. કઇ બેઠકમાં કોનું નામ કાપવાથી  કે કોને ટીકીટ આપવાથી ભડકો થાય તેમ છે? કોણ  નારાજ થઇ કોંગ્રેસની કંઠી બાંધી લેશે? તેની ઝીણવટભરી માહીતી પક્ષના પોતાના વિશ્વાસુ વર્તુળો, સંઘ અને વિશેષ કરી આઇબીના ગુપ્ત રીપોર્ટને વિશેષ મહત્વ  અપાઇ રહયું છે.

જેમની ટીકીટ કપાઇ છે તેવા એક દાવેદારે પોતાના દાવાના સમર્થનમાં પણ આઇબીનો રિપોર્ટ તેમની ફેવરમાં હોવાનો જે આડકતરો ખાનગીમાં ઉલ્લેખ કર્યો છે તે જ દર્શાવે છે કે ઉમેદવારોની પસંદગીમાં કાચુ ન કપાય તે માટે ઉમેદવારોની તેમના સમર્થકોની કરમ કુંડળી તથા કાર્ય કુંડળીની ચકાસણીઓ થઇ રહી છે.

અત્રે યાદ રહે કે આઇબી દ્વારા ઓફીશ્યલ રીતે આવી કામગીરી કરવાની હોતી નથી  પરંતુ અનઓફીશ્યલ આવી કામગીરી વર્ષોથી થતી હોય છે. ભાજપના જ વખતમાં આવી કામગીરી થાય છે અને કોંગ્રેસમાં આવી કામગીરી થતી ન હતી તે વાતમાં કોઇ દમ નથી.ભુતકાળમાં સ્વર્ગસ્થ ઇન્દીરા ગાંધી પણ આઇબી પાસેથી આવા રીપોર્ટો મેળવતા. જો કે સ્વ. ઇન્દીરાજીને રાજી રાખવા ગુલાબી ચિત્ર દોરેલ અને કોંગ્રેસને ભારે નુકશાન વેઠવું પડયું હતું.

બીજી તરફ ગત ધારાસભાની ચુંટણી સમયે અમરેલી પંથકની તમામ બેઠકો ભારતીય જનતા પક્ષ ગુમાવશે તેવો સ્પષ્ટ રીપોર્ટ ભારતીય જનતા પક્ષને આઇબી દ્વારા હિંમતપુર્વક અપાયો હતો તેવું પણ જાણકારો કહે છે.

સામાન્ય રીતે ઉમેદવારના નામો નક્કી થયા બાદ ગુજરાતની વાત કરીએ તો આઇબીના તમામ યુનીટો દ્વારા તેમના જુનીયર  ઇન્ટેલીજન્સ ઓફીસરો દ્વારા પોતાના સોર્સ બંન્ને પક્ષના પાયાના કાર્યકરો, અનુભવી અખબારનવેશો પાસેથી મળેલી માહીતી તથા વિવિધ જ્ઞાતી અને સમાજમાં શું શું ચાલી રહયું છે? કયાં જાહેરમાં અને કયાં કયાં ખાનગી બેઠક થાય છે? તે બધી બાબતોનું સંકલન કરી આઇબી હેડ કવાર્ટર દ્વારા ગાંધીનગરને આવી માહીતી પહોંચતી કરાતી હોય છે. આ માટે ગાંધીનગરના ટોચના રાજકારણીઓ આઇબીમાં મહત્વના સ્થાને પોતાના અત્યંત વિશ્વાસુ અધિકારીઓનું પોષ્ટીંગ ચાલુ રખાવતા હોય છે.

(3:43 pm IST)