Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દુનિયાનો પહેલો 5G ફોન લોન્ચ કરશે સેમસંગ : ૧૦૦ ગણી હશે ઇન્ટરનેટ સ્પીડ

આ આધુનિક ટેકનોલોજીથી ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓને નવો અનુભવ મળશે

નવી દિલ્હી તા. ૨૫ : અગ્રણી ટેકનોલોજી કંપની સેમસંગ આવતાં મહિને દક્ષિણ કોરિયામાં દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. હાલમાં દુનિયાના સૌથી ઝડપી અને પાંચમી જનરેશનની આ આધુનિક ટેકનોલોજીથી ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓને નવો અનુભવ મળશે.

કહેવાય છે કે, આનાથી ઇન્ટરનેટ સ્પીડ હાલની સરખામણીએ ૧૦થી ૧૦૦ ગણી સુધી વધી જશે. આ ટેકનોલોજીમાં રેડિયો સ્પેકટ્રમનો સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. 5G ઇન્ટરનેટની સ્પીડની મદદથી યુઝર્સ કોઇપણ મોટા ડેટાને સરળતાથી અપલોડ અને ડાઉનલોડ કરી શકશે.

કેટલાક રિપોર્ટ્સ અનુસાર, આ હાઇ ફ્રીકવેન્સી બેંડ 3.5GHzથી 26GHz અથવા તેનાથી વધારે ફ્રીકવેન્સી પર કામ કરશે. આનાથી એક સાથે ઘણી ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડી શકાશે. પરંતુ કોઇપણ ડિવાઇસની ઇન્ટરનેટ સ્પીડ ઓછી નહીં થાય.

કહેવાય છે કે, 5Gના તમામ પ્રોટોકોલ અત્યારે નક્કી કરવામાં આવ્યા નથી. તે ટેકિનકલી 4Gથી અલગ હશે. હાલ 4G પર મહત્તમ સ્પીડ ૪૫ એમબીપીએસ સુધી શકય છે. ઉલ્લેખનીય છે કે, આ ટેકનોલોજી માટે આવતાં વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. મોટાભાગના દેશોમાં 5G ટેકનોલોજી વર્ષ ૨૦૨૦ સુધી લોન્ચ થવાની આશા છે.

(10:10 am IST)