Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

અમે ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માટે સૌથી ખતરનાક મિસાઇલને વિકસિત કરી લીધી: ઈરાનની ધમકી

ઇરાને ધમકી ભરેલા લહેકામાં કહ્યુ કે જલ્દી તે પોતાના કમાન્ડરની હત્યાનો બદલો લેશે. :ઇરાનના ટોપ કમાન્ડરની ધમકી પછી અમેરિકા સહિત પશ્ચિમી દેશોની ચિતા વધી

તહેરાન: ઇરાને 1,650 કિમી દૂરની મારક ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઇલ વિકસિત કરી લીધી છે. આ વાતની જાહેરાત ઇરાનના ટૉપ કમાન્ડર અમીરાલી હાજીઝાદેહે કરી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માટે સૌથી ખતરનાક મિસાઇલને વિકસિત કરી લીધી છે.

 

  ઇરાને ધમકી ભરેલા લહેકામાં કહ્યુ કે જલ્દી તે પોતાના કમાન્ડરની હત્યાનો બદલો લેશે. ઇરાનના ટોપ કમાન્ડરની ધમકી પછી અમેરિકા સહિત પશ્ચિમી દેશોની ચિતા વધી ગઇ છે કે રશિયા-યૂક્રેન જંગમાં રશિયા ઇરાની ડ્રોનની મદદથી કીવ પર બોમ્બમારો કરી રહ્યો છે. આ યુદ્ધમાં અમેરિકા ખુલીને યુક્રેન સાથે ઉભુ છે.

  ઇરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ એરોસ્પેસ ફોર્સના પ્રમુખ અમીરાલી હાજીઝાદેહે સ્ટેટ ટીવીને જણાવ્યુ કે 1,650 કિમીની રેન્જ ધરાવતી અમારી ક્રૂઝ મિસાઇલને ઇસ્લામિક રિપલ્બિક ઓફ ઇરાનના મિસાઇલ શસ્ત્રમાં ઉમેરવામાં આવી છે. આ સાથે જ તેમણે ધમકી આપતા કહ્યુ કે આ મિસાઇલનો ઉપયોગ ઇરાનના એક ટોપ ઇરાની કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવશે.

  હાજીઝાદેહે કહ્યુ કે તે સમયે પણ ઇરાને નિર્દોષ સૈનિકોને મારવાનો ઇરાદો નહતો કર્યો પરંતુ જ્યારે તેણે (અમેરિકા) બગદાદમાં 2020માં ડ્રોન હુમલામાં ઇરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી તો જવાબી કાર્યવાહીમાં તેમણે અમેરિકન સેના પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવો પડ્યો હતો.

  મહત્વપૂર્ણ છે કે ઇરાને યૂક્રેનમાં યુદ્ધ પહેલા મોસ્કોને ડ્રોનનો પુરવઠો પુરો પાડ્યો છે. રશિયાએ વિજળી સ્ટેશન અને નાગરિક પાયાના ઢાંચાને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં પેંટાગને કહ્યુ હતુ કે ઇરાને એક હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ વિકસીત કરી છે.

(7:20 pm IST)