Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

માર્ચમાં વહેલાસર આયોજન કરજોઃ બેન્કો સતત ૬ દિવસ બંધ રહેવાની છે

મુંબઈ, તા.૨૫: દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત ૩ દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા પણ હશે. એની પહેલાં, ૮ માર્ચે રવિવાર હશે એટલે બેન્કો કુલ ૭ દિવસ બંધ રહેશે. છેક ૧૬ માર્ચે ખુલશે. ૯ માર્ચે એક દિવસ માટે બેન્કો ખુલ્લી રહેશે, પણ એ દિવસે બેન્કોમાં ખૂબ ગિરદી રહેશે અથવા સર્વર પર બોજો આવી પડશે એટલે કામ લટકી જાય એવી સંભાવના પણ રહેશે.

તેથી હોળીના તહેવાર પહેલા જ તમારું બેન્કને લગતું કામકાજ, સોદા પતાવી લેજો, નહીં તો તકલીફનો સામનો કરવો પડશે.

બેન્ક કર્મચારીઓને એમના પગારમાં ૨૦ ટકા રકમનો વધારો જોઈએ છે.

તે ઉપરાંત કામકાજ માટે પાંચ-દિવસનું અઠવાડિયું કરવા, પેન્શન પદ્ઘતિને અપડેટ કરવા તથા ફેમિલી પેન્શન  નિયમોમાં સુધારા કરવામાં આવે એવી પણ તેમની માગણી છે.

ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓએ ગઈ ૮-૯ જાન્યુઆરીએ તેમજ ત્યારબાદ ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી, એમ બે દિવસ માટે આ જ મુદ્દાઓ ઉપર પણ હડતાળ પાડી હતી.

માર્ચમાં બેન્કો આ દિવસોએ બંધ રહેશેઃ ૦૮- રવિવારની રજા, ૧૦- ધૂળેટીની રજા,૧૧- બેન્ક કર્મીઓની હડતાળ, ૧૨- બેન્ક કર્મીઓની હડતાળ, ૧૩- બેન્ક કર્મીઓની હડતાળ, ૧૪- બીજા શનિવારની રજા,૧૫- રવિવારની રજા.

(10:11 am IST)