Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કૃષિ બિલ ઉપર સહી નહીં કરવા રાષ્ટ્રપતિ સમક્ષ વિપક્ષોની રજૂઆત

બિલનો વ્યાપક બનતો વિરોધ, ઠેર-ઠેર આંદોલન, સંસદ સંકુલમાં દેખાવોઃ સંસદભવન બહાર વિપક્ષી સાંસદોએ દેખાવો કરી શેમ..શેમના નારા લગાવી કૃષિ બિલોનો ભારે વિરોધ કર્યો : રાષ્ટ્રપતિ કોવિંદની સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, તા. ૨૩ : બુધવારે વિપક્ષી સાંસદોના પ્રતિનિધિ મંડળએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને રાજ્યસભામાં પસાર કરાયેલા કૃષિ બિલને મંજૂરી ન આપવા વિનંતી કરી હતી. બેઠક બાદ રાષ્ટ્રપતિ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ગૃહમાં હોબાળા માટે વિપક્ષની નહીં પણ સરકાર જવાબદાર છે. બીજી તરફ, વિપક્ષના ઘણા સાંસદોએ સંસદ સંકુલમાં 'મોદી સરકાર હાય-હાય' અને 'શેમ-શેમ' ના નારા લગાવ્યા હતા.

માધ્યમો સાથે વાત કરતા રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને કહ્યું છે કે બીલ ગેરબંધારણીય રીતે પસાર કરવામાં આવ્યા છે. તેમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બિલને મંજૂરી ન આપે અને સરકારને પાછા મોકલે. આઝાદે જણાવ્યું હતું કે સરકારે કૃષિ બિલ સિલેક્ટ કમિટી અથવા સ્થાયી સમિતિને મોકલ્યા નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે રાજ્યસભાના ઉપાધ્યક્ષે બિલો પર મત આપવા માટેની અમારી વિનંતીને નકારી દીધી હતી. રાજ્યસભાના વિપક્ષી નેતાએ કહ્યું હતું કે મતવિભાજન થયું નથી, વોઈસ વોટિંગ નથી થયું. લોકશાહીના મંદિરમાં બંધારણ નબળું પાડવામાં આવ્યું છે. આઝાદે કહ્યું કે હંગામા માટે વિપક્ષ નહીં પરંતુ સરકાર દોષિત છે.

અગાઉ વિપક્ષી સાંસદોએ બુધવારે સંસદ સંકુલમાં કૃષિ બીલો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિલ પાછા ખેંચવાની માગ સાથે વિપક્ષી સાંસદોએ 'મોદી સરકાર હાય-હાય', 'શેમ-શેમ' ના નારા લગાવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદો અધિર રંજન ચૌધરી, શશી થરૂર, ડીએમકે સાંસદ કનિમોઝી સહિત વિરોધી પક્ષોના સાંસદોએ કૃષિ બિલ અને ખેડૂત વટહુકમ વિરુધ્ધ પ્લેકાર્ડ લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પહેલા રવિવારે કૃષિ બિલને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષના કેટલાક સાંસદોએ નિયમ બુક ફાડવા ઉપરાંત માઇક તોડી નાખ્યું હતું. કેટલાક સાંસદોએ કાગળ ફાડી નાંખ્યા હતા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશની બેઠકની નજીક જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સંજય સિંઘ સહિત ૮ સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. તેની સામે સસ્પેન્ડ થયેલા સાંસદોએ સંસદ સંકુલમાં ધરણા પણ કર્યા હતા. બાદમાં, તમામ વિપક્ષી પાર્ટીઓએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો, તે દરમિયાન સરકારે વિપક્ષની ગેરહાજરીમાં ઘણા બિલ પસાર કર્યા. રાજ્યસભાની કાર્યવાહી બુધવારે કોરોના વાયરસને કારણે અનિશ્ચિત કાળ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ગૃહની કાર્યવાહી  શિયાળાના સત્ર દરમિયાન શરૂ કરશે.

(9:57 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST

  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST

  • એક બીજી ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અવંતિપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક આતંકવાદી માર્યો ગયો છે, જેની ઓળખ થઈ નથી. પોલીસ અને સુરક્ષા દળ સ્થળ પર હાજર છે access_time 9:48 am IST