Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ખીચડી પાકે છે : CIA ના ડિરેક્ટરની કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદર સાથે ગુપ્ત બેઠક :મોટી ડીલના સંકેત

CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સની કાબુલમાં બરાદર સાથે ઉચ્ચસ્તરીય બેઠક

અમેરિકા તાલિબાન સામે કડક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ આંતરિક રીતે તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સ કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદરને મળ્યા છે. સોમવારે બંને વચ્ચે થયેલી આ બેઠક બાદ, અમુક પ્રકારના સોદાના સંકેત પણ મળી રહ્યા છે.

ઉચ્ચ સ્તરીય બેઠકમાં બરાદર અને સીઆઇએ ડિરેક્ટરનો આમનો-સામનો થયો છે. મળતી માહિતી મુજબ, કાબુલ કબજે કર્યા બાદ આ પ્રકારની પ્રથમ ઉચ્ચ સ્તરીય મંત્રણા છે જેમાં અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ તાલિબાન સાથે વાતચીત કરી છે. અમેરિકા પાસે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી તેમની સેનાને પાછી ખેંચવાની ડેડલાઈન છે અને તેને લઇને તાલિબાન-અમેરિકા આ અંગે અટવાયેલું છે.

માનવામાં આવે છે કે CIA ના ડિરેક્ટરે તાલિબાન નેતા સાથે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવાના મુદ્દે ચર્ચા કરી છે. હાલમાં, ઘણા દેશોના નાગરિકો પણ કાબુલ એરપોર્ટમાં ફસાયેલા છે જે દેશ છોડવા માંગે છે. ભારત, અમેરિકા સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ત્યાંથી હટાવી લીધા છે, આ હોવા છતાં ઘણા અફઘાન નાગરિકો પણ તેમનો દેશ છોડીને બહાર જવા માંગે છે.

(7:42 pm IST)