Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમિતાભ બચ્ચનના નામની ગાડી સીઝ કરવામાં આવી

કર્ણાટક ટ્રાન્સપોર્ટ વિભાગે સ્પેશિયલ રેડ કરી : કર્ણાટક ટ્રાન્સપોર્ટ વિભાગે બચ્ચનના નામની ગાડી સહિત સાત લક્ઝરી કાર્સ વિવિધ કારણોસર જપ્ત કરી લીધી

બેંગલુરુ,તા.૨૪ : અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ થયેલી એક રોલ્સ રોયસ ફેન્ટમ કારને બેંગલુરુની પોશ યુબી સિટીમાંથી જપ્ત કરવામાં આવી છે. ગાડી સલમાન ખાન નામનો એક યુવક ચલાવી રહ્યો હતો. કર્ણાટકના ટ્રાન્સપોર્ટ વિભાગે રવિવારે સ્પેશિયલ રેડ કરીને સાત લક્ઝરી કાર જપ્ત કરી હતી. જેમાંની એક કાર બચ્ચનના નામ પર રજિસ્ટર્ડ થયેલી હોવાનું કહેવાઈ રહ્યું છે.

વિઠ્ઠલ માલ્યા રોડ પર રવિવારે સાંજે વાગ્યે રેડ કરવામાં આવી હતી. જેમાં લેન્ડ રોવર, પોર્શે, જગુઆર સહિતની ગાડીઓ જપ્ત કરાઈ હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાડીના ટેક્સ ભરવાના બાકી છે, અને તેમના ઈન્શ્યોરન્સ સહિતના પૂરતા ડોક્યુમેન્ટ્સ ના હોવાથી તેમને જપ્ત કરાઈ હતી.

સાત લક્ઝુરિયસ કારમાંથી પાંચ પુડુચેરીમાં રજિસ્ટર્ડ થયેલી છે, જ્યાં રોડ ટેક્સ ઓછો છે, જ્યારે બે ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે. મોટાભાગની ગાડીઓના ઈન્શ્યોરન્સ પણ રિન્યૂ નથી કરાવાયા. એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર એલ નરેન્દ્ર હોલકરના જણાવ્યા અનુસાર, એમએચ ૦૨બીબી નંબરની રોલ્સ રોયસ કાર ચલાવનારા શખસની ઓળખ સલમાન ખાન તરીકે કરવામાં આવી છે. ૩૫ વર્ષીય યુવકના પિતાએ ગાડી અમિતાભ બચ્ચન પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે.

કારને વિધુ વિનોદ ચોપરાએ બચ્ચનને ૨૦૦૭માં ગિફ્ટ કરી હોવાના અહેવાલ તે સમયે આવ્યા હતા. બચ્ચને કાર ૨૦૧૯માં યુસુફ શરીફ નામના એક બિલ્ડરને વેચી હતી, પરંતુ હજુ કાર બચ્ચનના નામે નોંધાયેલી છે. સૂત્રોનું માનીએ તો, યુસુફ શરીફ ઉર્ફે ડી બાબુ નામના બિલ્ડરે બચ્ચન પાસેથી કાર ખરીદ્યા બાદ તેને પોતાના નામે ટ્રાન્સફર નથી કરાવી.

નવાઈની વાત છે કે, કારની કોઈ માહિતી વાહન- પોર્ટલ પર ઉપલબ્ધ નથી. બીજી તરફ, બિલ્ડરે અંગે જણાવ્યું હતું કે તેણે કાર સીધી બચ્ચન પાસેથી ખરીદી છે. જેનો ઉપયોગ તેની ફેમિલી માત્ર રવિવારે કરે છે. ગાડી હજુય બચ્ચનના નામે હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. નિયમ અનુસાર, બહારના રાજ્યનું વાહન બીજા કોઈ રાજ્યમાં ૧૧ મહિનાથી વધારે સમય સુધી નથી ફેરવી શકાતું. જોકે, કાર છેક ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯થી બેંગલુરુમાં ફરી રહી છે. કાર ખરીદનારા બિલ્ડરના જણાવ્યા અનુસાર, તેણે ગાડીના કરોડ રુપિયા ચૂકવ્યા હતા. તેની પાસે તેના કાયદેસરના ડોક્યુમેન્ટ તો નથી, પરંતુ તેણે બચ્ચનની સહીવાળો લેટર રજૂ કર્યો હતો.

(7:39 pm IST)