Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

તાલિબાન પાછળ પાક.નો હાથ, તેને ફંડ ન આપોઃ આર્યના સઈદ

પોપ સ્ટાર આર્યના સઈદે પોતાનું દર્દ વ્યક્ત કર્યું : પાકિસ્તાન જ તાલિબાનોને ટ્રેનિંગ આપતું હતું, ત્યાં જ તેમના બેઝ કેમ્પ હોવાનો પોપ સ્ટારનો દાવો

નવી દિલ્હી,તા.૨૪ : તાલિબાનનું શાસન સ્થપાયા બાદ અફઘાનિસ્તાનથી ભાગી છુટનાર પોપ સ્ટાર આર્યના સઈદે પોતાનુ દર્દ વ્યક્ત કર્યુ છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેણે કહ્યુ હતુ કે, હું ભલે અફઘાનિસ્તાનની બહાર છું પણ ત્યાં રહેતી મહિલાઓ માટે મને ચિંતા થઈ રહી છે. તાલિબાને અમને ૨૦ વર્ષ પાછળ ધકેલી દીધા છે.

અમે જ્યાંથી શરૂ કર્યુ હતુ ત્યાં પાછા જઈ ચઢ્યા છે. આર્યનાએ કહ્યુ છે કે, તાલિબાન પાછળ પાકિસ્તાનનો હાથ છે.પાકિસ્તાન તાલિબાનોને ટ્રેનિંગ આપતુ હતુ. તેમના બેઝ કેમ્પ પણ પાકિસ્તાનમાં છે. હું દુનિયાના સુપરપાવર દેશોને અપીલ કરૂ છું કે, પાકિસ્તાનને ફંડ ના આપે..

કારણકે પાકિસ્તાન પૈસાથી તાલિબાન અ્ને આતંકને પ્રોત્સાહન આપે છે. છેલ્લા કેટલાક વર્ષમાં તેનો પૂરાવો આપતા વિડિયો પણ સામે આવ્યા છે. જેમાં તાલિબાનીઓને પાકિસ્તાનમાં જોઈ શકાય છે. હું નિરાશ છું કે, અમારા રાષ્ટ્રપતિ અશરફ ગની અમને છોડીને ભાગી ગયા છે. તેણે આગળ કહ્યુ હતુ કે, અમેરિકાએ અલકાયદા અને તાલિબાન જેવા સંગઠનોને ખતમ કરવા માટે અફઘાનિસ્તાનમાં પગ મુક્યો હતો.

કરોડો ડોલર ખર્ચ કર્યા હતા અને કેટલાક સૈનિકોએ જીવ પણ ગમુવ્યા છે અને હવે અચાનક અમેરિકા રીતે પાછળ હટી ગયુ છે અને અફઘાનિસ્તાનને પોતાના હાલ પર છોડી દીધુ છે.

દુનિયાના તમામ દેશોએ તાલિબાનને અહીંથી ભગાડવા માટે મદદ કરવાની જરૂર છે. પોપ સ્ટારે કહ્યુ હતુ કે, ભારત અફઘાનિસ્તાનુ સારો પાડોશી પૂરવાર થયુ છે. ભારતે હંમેશા સારા મિત્રની જેમ મદદ કરી છે.

તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો છે ત્યારથી ભારતે પોતાના નહીં અફઘાન નાગરિકોને પણ બહાર કાઢવામાં મદદ કરી છે. હું ભારતનો આભાર માનું છું.

(7:35 pm IST)