Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પંજશીર તાલિબાન સામે યુધ્ધ માટે સજ્જ : અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ

અફઘાનના રાષ્ટ્રપતિની ભારતીય ચેનલ સાથે વાત : પંજશીરનો કેટલોક હિસ્સો તાલિબાનના કબજાના દાવાને ફગાવતા રાષ્ટ્રપતિ તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર

પંજશીર,તા.૨૪ : અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે એક ભારતીય ટીવી ચેનલ સાથે આજે વાતચીત કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, તાલિબાન જે દાવો કરી રહ્યુ છે કે, પંજશીર પ્રાંતનો કેટલોક હિસ્સો તેમને કબ્જામાં છે તો તે સાવ ખોટો છે. અમારૂ પંજશીર પર સંપૂર્ણપણે નિયંત્રણ છે.

સાલેહે કહ્યુ હતુ કે, પંજશીરના લોકો તાલિબાન સામે ઝુકવા માટે તૈયાર નથી. અમે વાતચીત માટે તૈયાર છે. અમે અમારા વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છે પણ જો તાલિબાન લડવા માંગતુ હોય તો તેના માટે પણ અમે તૈયાર છે. તેમણે કહ્યુ હતુ કે, અહમદ મસૂદ અત્યારે પોતાના પિતાની જેમ તાલિબાન સામે લડી રહ્યા છે.

દરેક વ્યક્તિ તેમની સાથે છે. હું પણ અહીંયા છું અને અહીંયા બધા એક છે. અમે બધુ તાલિબાન પર છોડ્યુ છે. જો તેઓ યુધ્ધ ઈચ્છતા હશે તો યુધ્ધ પણ થશે. સાલેહે આગળ કહ્યુ હતુ કે, હાલની સ્થિતિ બહુ વિચિત્ર છે. કારણકે રાષ્ટ્રપતિ સહિતની આખી કેબિનેટ દેશ છોડીને રવાના થઈ ગઈ છે.

અશરફ ગનીએ લોકોને દગો આપ્યો છે. જોકે અમારો ધ્યેય એક છે કે, અમે કોઈ પ્રકારના તાનાશાહી ચલાવી નહીં લઈએ. તેમણે કહ્યુ હતુ કે, અમે ઈચ્છી રહ્યા છે કે, અમારા લોકોને આઝાદીથી જીવવાનો મોકો મળે.

અમે અફઘાનિસ્તાનને તાલિબાન બનવા દેવા માંગતા નથી. અમે ઈચ્છીએ છે કે, અફઘાની લોકોને તેમની વાત કહેવાનો મોકો મળે. તાનાશાહીમાં આ શક્ય નથી.

(7:34 pm IST)