Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પંજાબના સીએમ અને પાક. પત્રકારની તસવીરથી વિવાદ

પંજાબ કોંગ્રેસનો આંતર કલહ યથાવત : સિધ્ધુના સલાહકાર માલીએ ફેસબૂક પર અમરિન્દરસિંહ અને પાક. પત્રકાર અરુસા આલમની તસવીર શેર કરી

ચંદિગઢ,તા.૨૪ : પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચેનો વિવાદ યથાવત છે. હવે સિધ્ધુના સલાહકાર મલવિન્દરસિંહ માલીએ ફેસબૂક પર એવી પોસ્ટ મુકી છે જેને લઈને વિવાદ જાગી ગયો છે.

તેમણે ફેસબૂક પર સીએમ અમરિન્દરસિંહ અને પાકિસ્તાની પત્રકાર અરુસા આલમની તસવીર શેર કરીને લખ્યુ છે કે, ફોટોગ્રાફ શું ઈશારો કરે છે. માલીએ પંજાબના ડીજીપી અને મુખ્ય સચિવ પર સવાલ ઉઠાવ્યા છે.

ફેસબૂક પોસ્ટમાં માલીએ સીએમ અમરિન્દર સિંહને સંબોધીને લખ્યુ છે કે, અરુસા આલમ રાષ્ટ્રીય સુરક્ષા પર તમારી સલાહકાર છે. હું વિચારતો હતો કે તમારો વ્યક્તિગત મુદ્દો છે પણ જ્યારે તમે નવજોતસિંહ સિધ્ધુના સલાહકારોને કોંગ્રેસની રાજનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળી લીધા છે ત્યારે મારે મજબૂરીમાં પોસ્ટ મુકવી પડી છે.

તેમણે પૂછ્યુ છે કે, તસવીરો શું ઈશારો કરે છે, અરુસા આલમને પંજાબ કોંગ્રેસમાં ક્યારે સામેલ કરવામાં આવ્યા છે? પંજાબ પોલીસના વડા અને મુખ્ય સચિવ પાકિસ્તાની નાગરિક અરુસા આલમના આશીર્વાદ કેમ લઈ રહ્યા છે? માલીએ આગળ લખ્યુ છે કે, અરુસા આલમ સંરક્ષણના મામલાની પત્રકાર છે અને નરેન્દ્ર મોદીના સલાહકાર અજીત ડોવાલ સાથે પણ તેના સારા સબંધો છે.

એટલા માટે ભારતમાં તેને વિઝા મળવામાં પરેશાન નથી. અરુસા આલમને કયા નિયમોના આધારે વિઝા આપવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરવામાં આવે. તેમણે ગંભીર આરોપ મુક્યો છે કે, પંજાબ સરકારમાં તમામ બદલાવ પીએમ મોદી અને સુખબીર બાદલની મરજીથી થઈ રહ્યા છે અને કેપ્ટન તો માત્ર સહી કરી રહ્યા છે.

(9:43 pm IST)