Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અફઘાનિસ્તાન મુદ્દે મોદી અને પુટિન વચ્ચે ૪૫ મિનીટ સુધી થઇ વાતચીતઃ બંને વચ્ચે થયેલ વાતચીત ઘણી મહત્વની

ભારતની વાતચીત અમેરિકા અને બ્રિટન સાથે પણ ચાલી રહી છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના મુદ્દા પર પોતાના સહયોગી રશિયા સાથે વાત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 45 મિનિટ વાતચીત થઇ છે. આ મુદ્દા પર બન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે થયેલી આ વાતચીત ઘણી મહત્વની છે. આવુ એટલા માટે કારણ કે રશિયાએ માત્ર તાલિબાનનું સમર્થન જ નથી કર્યુ પરંતુ એમ પણ કહ્યુ કે તેમનું શાસન અફઘાન સરકાર કરતા સારૂ હશે.
મહત્વપૂર્ણ છે કે તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારથી ત્યા અફરા તફરીનો માહોલ છે. ભારત સહિત કેટલાક બીજા દેશ ત્યાથી પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે. આ વચ્ચે તાલિબાને કહ્યુ છે કે ભારતે અફઘાનિસ્તાનમાં જે વિકાસ કામની શરૂઆત કરી હતી તેને પુરા કરી શકે છે, તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે તાલિબાન કોઇ વિદેશીને નુકસાન નહી પહોચાડે.
ભારત અત્યાર સુધી પોતાના હજારો નાગરિકોને સ્વદેશ પરત લાવી ચુક્યુ છે. બીજી તરફ તાલિબાનને લઇને ભારતની વાતચીત અમેરિકા, બ્રિટન સાથે પણ ચાલી રહી છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં આ મુદ્દા પર અમેરિકન વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. આ સિવાય બન્ને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે પણ આ મુદ્દા પર વાતચીત થઇ છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર પીએમ મોદીના નેતૃત્વમાં બે વખત સીસીએસની બેઠક મળી ચુકી છે.
મહત્વપૂર્ણ છે કે ભારતે અત્યાર સુધી તાલિબાનને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી. જોકે, ભારતે એમ જરૂર સ્પષ્ટ કર્યુ છે કે તે તાલિબાનની કહેલી વાતો પર વિશ્વાસ નથી કરતું. મહત્વપૂર્ણ છે કે ભારતે છેલ્લા બે દાયકા દરમિયાન અફઘાનિસ્તાનના વિકાસ માટે કરોડોનું રોકાણ કર્યુ છે. તાલિબાનની હાજરીમાં આ રોકાણ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

(5:35 pm IST)