Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડથી ખળભળાટ

ઉદ્ધવ ઠાકરે પર વિવાદીત ટિપ્પણી કરવાના મામલે મહારાષ્ટ્ર પોલીસે લીધુ આકરૂ પગલુ

મુંબઇ તા. ૨૪: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ વિવાદીત ટિપ્પણીને લઇને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

રાણેએ રત્નાગીરી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી જેને અદાલતે ફગાવી દીધી છે તો બોમ્બે હાઇકોર્ટે પણ તેમની જામીન અરજી પર તત્કાલ સુનાવણીનો ઇન્કાર કર્યો હતો.

તેવામાં નાસિક પોલીસની ખાસ ટુકડીએ રત્નાગીરી જઇને તેમની ધરપકડ કરી હતી. આ પહેલા શિવસેનાના નેતાઓ અને કાર્યકરોએ રાણે વિરૂદ્ધ નાસિક-પુણે અને મહાડમાં ૩ એફઆઇઆર નોંધાવી હતી. તે પછી શિવસેના અને ભાજપ વચ્ચે પણ તલવારો ખેંચાઇ હતી. રાણેના નિવાસ બહાર બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

દરમિયાન જાણવા મળે છે કે, ધરપકડ વિરૂદ્ધ રાણે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી રહ્યા છે. તેમના વકીલ તાબડતોબ કોર્ટ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

  • હાઈકોર્ટે તાત્કાલિક અરજી સાંભળવાની ના પાડ્યા પછી હવે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના વકીલે રત્નાગીરી કોર્ટમાં જામીન અરજી રજૂ કરી

મુંબઇઃ આગોતરા જામીન રદ થયા બાદ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી  નારાયણ રાણેની ધરપકડ  થઈ છે. મુંબઇ હાઇકોર્ટે તેમની જામીન અરજી તાત્કાલિક સાંભળવાનો ઇનકાર કરતા હવે તેમના વકીલ અનિકેત નિકમે રત્નાગીરી કોર્ટમાં જામીન અરજી કરી છે, કોર્ટ અત્યારે સાંજે ૪.૩૦ કલાકે સુનાવણી હાથ ધરશે તેમ જાણવા મળે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરુધ્ધ અજુગતી ટિપ્પણીઓ કરવા સબબ શ્રી રાણી વિરુદ્ધ ૩ ઍફઆઈઆર દાખલ થઇ છે તે સબબ તેમની આજે ધરપકડ કરવામાં આવી હતી.

(4:28 pm IST)