Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

યુપીઆઈથી પેમેન્ટમાં છેતરપીંડીનો ખતરોઃ ડીજીટલ વ્યવહારોમાં રાખો સાવધાની

છેતરપીંડીના નવા નવા કરતબો અપનાવી રહ્યા છે હેકર્સઃ કોઈને યુપીઆઈ પીન જણાવો નહિં

નવી દિલ્હી, તા. ૨૪ :. લોકો ડીજીટલ લેવડ-દેવડ માટે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ)નો ખૂબ ઉપયોગ કરે છે. ભારતીય રાષ્ટ્રીય ભૂગતાન નિગમ (એનપીસીઆઈ) દેશમાં વ્યવહારો નિપટાવવાની પ્રણાલીગત સેવા આપતુ સંગઠન છે. આ રીઝર્વ બેન્ક અને ઈન્ડીયન બેન્ક એસોસીએશન (આઈબીએ)ની એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં એક મજબૂત ચૂકવણી અને પતાવટ ઢાંચાના નિર્માણ કરવાનોે છે.

એનપીસીઆઈના યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ કેટલાય બેન્ક ખાતાઓને એકલી મોબાઈલ એપ્લીકેશનથી જોડી નાણાકીય લેવડ-દેવડમાં મદદ કરે છે. યુપીઆઈ એક ડીસ્ટન્સ બેન્ક ફંડ ટ્રાન્સફરની સુવિધા છે. જેના મારફત સ્માર્ટ ફોન ઉપર ફોન નંબર અને વર્ચ્યુઅલ આઈડીની મદદથી ચુકવણુ થઈ શકે છે. આ ઈન્ટરનેટ બેન્ક ફંડ ટ્રાન્સફરના મિકેનીઝમ ઉપર આધારીત છે. એનપીસીઆઈ આ સિસ્ટમને કંટ્રોલ કરે છે.

લાભની સાથે ખતરો

ડીજીટલ લેવડ-દેવડ લાભદાયક હોવાની સાથે ખતરારૂપ પણ છે. ટેકનીકસ વધવાની સાથે ઓનલાઈન છેતરપીંડી પણ ઝડપથી વધી રહી છે. હેકર્સ નવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે.

માત્ર પૈસા મોકલવા પીન કોડ વાપરો

લેવડ-દેવડ કરતી વખતે ધ્યાન રાખો કે તમારી પાસેથી યુપીઆઈ પીન જ્યારે પૈસા મોકલવા હોય ત્યારે જ માંગવામાં આવશે. કોઈ તમને પૈસા મોકલાવતુ હોય ત્યારે પીનની જરૂરત પડતી નથી.

ગ્રાહક સેવાનો સંપર્ક કેવી રીતે કરશો ?

જો તમારે લેવડ-દેવડમાં કોઈ તકલીફ થઈ રહી હોય તો ગ્રાહક સેવાનો સંપર્ક કરવો જોઈએ. આ માટે માત્ર પેમેન્ટ એપ્લીકેશનનો જ ઉપયોગ કરો. ઈન્ટરનેટ પર આપવામાં આવેલા ફોન નંબર ઉપર કોલ ન કરો. માત્ર પેમેન્ટ એપ્લીકેશનની સૂચના મુજબ વર્તો.

કોઈને યુપીઆઈ પીન ન આપો

યુપીઆઈ પીન એટીએમ પીન જેમ જ છે માટે કોઈ સાથે શેયર ન કરો. આમ કરવાથી છેતરપીંડીબાજો તેનો ગેરઉપયોગ કરી તમને ઠગી શકે છે.(૨-૧૬)

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

- કોઈપણ વેબસાઈટ કે ફોર્મમાં યુપીઆઈ પીન નાખો નહીં

- ચુકવણા સાથે જોડાયેલી ઓટીપી સહિતની કોઈપણ જાણકારી શેયર ન કરો

- સીવીવી નંબર, પાસવર્ડ કોઈને ન આપો

(2:52 pm IST)