Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સામાજીક સમરસતા ખોરવાઇ જવાની શકયતા

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો અનામત લઇને વધશે પ્રેશરઃ ૫૦% થી વધુ રિઝર્વેશન આપી નહિ શકાયઃ વિવાદ થશે

નવી દિલ્હી, તા.૨૪: જાતીય વસ્તી ગણત્રીની માંગ આમ તો કંઇ નવી નથી. રાજકીય ફાયદા માટે તેને સમયાંતરે કરવામાં આવતી રહે છે. જો કે સરકારો અને નીતિ નિર્માતાઓ આ માંગણીને કયારેય ધ્યાન નથી આપતા. તેનું મોટું કારણ તેનાથી દેશના સામાજીક તાણાવાળા વીખેરાવાનો ડર છે. આમ પણ જાતિ-પંથમાં વહેંચાયેલા સમાજને છેલ્લા વર્ષોમાં જે રીતે સરકારે પોતાના પ્રયાસોથી નજીક લાવવાની કોશિષ કરી છે તે જાતીય વસ્તી ગણત્રીથી ફરીથી વિખેરાઇ જશે. સાથે જ વર્તમાન અનામતને પણ ફરીથી નવેસરથી નક્કી કરવાની માંગણી જોર પકડશે. તેને લાગુ કરવાનું દબાણ પણ વધશે.

કદાચ આ જ કારણ છે કે અત્યાર સુધીની સરકારોએ જાતીય વસ્તી ગણત્રી  નથી કરાવી. ૨૦૧૧માં કોંગ્રેસની આગેવાનીવાળી સરકારે આર્થિક અને સામાજીક વસ્તી ગણત્રી કરાવી હતી. તેમાં તેણે જાતિને પણ સામેલ કરી હતી. જો કે તેમાં તેની ઇચ્છા વિકાસની દોડમાં પાછળ રહી ગયેલ જાતિઓની ઓળખ કરવાની અને તેમના વિકાસ માટે નવી યોજના બનાવવાની હતી. આ જ કારણ હતુ સરકારે તેના કોઇ આંકડાઓ બહાર નહોતા પાડયા. આમ પણ દેશમાં હાલમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે અનામતની જે વ્યવસ્થા છે, તેમાં જાતીય અનામત પર સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની લીમીટ નક્કી કરી રાખી છે. એટલે ૫૦ ટકાથી વધારે અનામત આપી નથી શકાતું.

ખાસ વાત એ છે કે શરૂઆતમાં અનામત ફકત એસસી અને એસટીને જ અપાયુ હતું. તેમની વસ્તીના આધારે ટકાવારી નક્કી કરીને એસસીને ૧૫ ટકા  અને એસટીને ૭.૫ ટકા અનામત અપાઇ હતી. પછી બાકીની ૨૭ ટકા અનામત ઓબીસીને અપાઇ હતી. જો કે ઓબીસી અનામતમાં તેના કરતા વધારેની માંગણી કરતો રહ્યો છે. તેનુ કહેવુ છે કે તેની ભાગીદારી વધારે છે પણ અત્યાર સુધી કોઇ તથ્યાત્મક આંકડાઓ ના હોવાથી સરકાર મૌન છે.

તો સુપ્રીમ કોર્ટની અનામત માટે ૫૦ ટકાની લીમીટ છે ત્યારે જો આ દાયરો વધારવામાં આવે તો સમાજના અન્ય વર્ગોમાં વૈમનસ્યતા વધશે અને વર્તમાન અનામત મેળવનાર વર્ગોમાં પણ મોટી જાતિઓ પણ પોતાના માટે અલગ અનામતની માંગણી કરી શકે છે, તેનાથી તેમાં જે જાતિઓની સંખ્યા બહુ જ ઓછી છે તે આ દોડમાંથી બહાર નીકળી જશે.

(1:03 pm IST)