Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રાજકોટમાં સેંકડોને આવકવેરાની નોટીસો જશે?

દુકાન - ઓફીસ - રહેણાંક મકાનોના દસ્તાવેજ અડધાથી પણ ઓછી રકમના થયાનું ખુલ્યુ : મોટાપાયે રોકડનો વહીવટ : આવતીકાલે પણ દરોડા ચાલુ જ રહેશે : ભારે પ્રયાસો છતાં કાર્યવાહી ચાલુ રહ્યાના નિર્દેશો : 'ઉપરની' સુચનાનું કડક પાલન? પાર્ટનરોના વહેવારો પણ નીકળતા જાય છે?

રાજકોટ, તા. ૨૪ : આજે વ્હેલી સવારથી આર.કે. ગ્રુપના પાર્ટનરો, ભાઈઓ ઉપર આવકવેરા ખાતાના ૨૦૦થી વધુ ઓફીસરોના કાફલાએ તલાશી શરૂ કરી છે તેમાં મોટા ફણગા ફૂટી રહ્યા છે. રેડ આવતીકાલે પણ ચાલુ રહેશે તેવા અહેવાલો વચ્ચે ન્યુઝ ફર્સ્ટ નોંધે છે કે છેલ્લા ૪-૫ વર્ષમાં જે 'માલ' વેચાયો તે પૈકીની મોટાભાગની ઓફીસો, દુકાનો અને રેસીડેન્શીયલ મકાનોના અડધાથી પણ ઓછા, ત્રીજા ભાગની રકમના દસ્તાવેજો થયાનું ખુલી રહ્યુ છે. ૨૦/૨૨થી ૨૮-૩૦ લાખના એવરેજ દસ્તાવેજો દુકાનો - ઓફીસોના થયા છે, ત્યારે કિંમતો ૮૦/૯૦ લાખ વસૂલાયેલ છે. આવુ જ રેસીડેન્શીયલ ટાઉનશીપમાં પણ થયાનું ખુલી રહ્યુ છે.

આમ આ ગ્રુપો પાસેથી દુકાનો, ઓફીસો, ઘર ખરીદનારા તમામ સેંકડો લોકોને આવકવેરા ખાતુ નોટીસો આપશે તેમ જાણવા મળે છે.

આ તમામ લોકોએ મોટી માત્રામાં (લાખો - કરોડો) રોકડની લેવડ-દેવડ બહાર આવતા સંભવતઃ આવા સેંકડો મકાન - ઓફીસો ખરીદ કરનારાઓને પૂછપરછ માટે આઈટી તંત્ર બોલાવે તેવી પૂરી સંભાવના છે.

કહેવાય છે કે સમુનમુ કરવાના અનેક પ્રયાસો થયા જે સફળ થયા નથી અને રેડ સંભવતઃ કાલે પણ ચાલુ જ રહેશે.

આમ રાજકોટમાં જે પણ લોકોએ પ્રોપર્ટી લીધી છે તેમને આવકવેરાની નોટીસો મળે તો નવાઈ નહિં.

ગ્રુપના ઘણા પાર્ટનરો અને બીઝનેસમેનો, મોટા ગજાના ફાયનાન્શીયર પણ આવકવેરાની રડારમાં હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે.

(11:40 am IST)