Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

૧.૬ કરોડ ભારતીયોને કોરોના રસીનો બીજો ડોઝ નથી મળ્યોઃ સૌથી વધુ સંખ્યા વૃદ્ઘોની

૧૨ અઠવાડિયા પછી રસીનો બીજો ડોઝ લેવાનો સમય થયો છે પરંતુ લીધી નથી તેમનો આંકડો ૩.૯ કરોડ છે : ૨ મે સુધીમાં રસીનો પહેલો ડોઝ લેનારા ૬૦થી વધુની વયના ૧ કરોડથી વધારે લોકો છેઃ એકંદરે ૧૮+ની ૪૮% વસ્તીને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે પરંતુ માત્ર ૧૪%ને બંને ડોઝ મળ્યા છે

નવી દિલ્હી, તા.૨૪: કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધાના ૧૬ અઠવાડિયા (બે ડોઝ વચ્ચેનું સૌથી વધુ અંતર) પછી ઓછામાં ઓછા ૧.૬ કરોડ ભારતીયોને બીજો ડોઝ લેવાનો બાકી છે. આમાંથી એક કરોડથી વધુ વૃદ્ઘો છે અને બાકીના લોકોમાં હેલ્થ અને ફ્રંટલાઈન વર્કર્સ તેમજ ૪૫થી વધુની વયના લોકોનો સમાવેશ થાય છે.

૨ મે સુધીમાં એટલે ૧૬ અઠવાડિયા પહેલા કેટલા લોકોને રસીનો પહેલો ડોઝ મળી ગયો તેનો ડેટા તપાસવામાં આવતાં ૧.૬ કરોડનો આંકડો સામે આવ્યો છે. પહેલો અને બીજો ડોઝ કેટલાને મળી ગયો છે તેના આંકડાની પણ સરખામણી કરવામાં આવી હતી. આ બધો જ ડેટા આરોગ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી વિગતોમાં ઉપલબ્ધ છે.

૧૩ મેના રોજ સરકારે કોવિશિલ્ડ માટે ૧૨-૧૬ અઠવાડિયના ગેપને માન્યતા આપી હતી. કુલ રસીકરણમાંથી ૮૫% લોકોએ કોવિશિલ્ડ લીધી છે. તો બીજી તરફ કોવેકિસનના બે ડોઝ લેવાનો સમયગાળો ટૂંકો છે. પહેલો ડોઝ લીધાના ૪-૬ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવાનો રહે છે. જણાવી દઈએ કે, બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોનો આંકડો વધારે હશે કારણકે ૧.૬ કરોડ લોકોની ગણતરી કોવિશિલ્ડના ૧૬ અઠવાડિયાને આધારે થઈ છે, નહીં કે કોવેકિસનના ૬ અઠવાડિયાના આધારે. માટે, અત્યાર સુધીમાં બંને ડોઝ લઈ લેનારા લોકોમાં એવાનો પણ સમાવેશ થાય છે જેમણે પહેલો ડોઝ ૨ મે પછી લીધો હોય.

જે લોકોને ૧૨ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે અને સંપૂર્ણ રસીકરણ પૂરું થયું નથી તેમનો આંકડો ૩.૯ કરોડ (ફરી, આ આંકડો ઊંચો હશે કારણકે કોવેકિસનનો ઓછામાં ઓછો ગેપ ચાર અઠવાડિયાનો છે જયારે કોવિશિલ્ડનો ૧૨) છે.

સરકારી આંકડા પ્રમાણે, પ્રાયોરિટી ગ્રુપ એટલે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ, ૪૫-૫૯ વર્ષના અને ૬૦ વર્ષથી વધુના લોકો કે જેમણે પહેલો ડોઝ ૨ મે સુધીમાં લીધો છે તેમની સંખ્યા ૧૨.૮ કરોડ છે. તેમાંથી ૧૧.૨ કરોડ લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.

૨ મે સુધીમાં રસીનો પહેલો ડોઝ લેનારા ૬૦થી વધુની વયના ૧ કરોડથી વધારે લોકો, ૪૫-૫૯દ્ગક્ન વયજૂથના ૪૫ લાખ લોકો, ૧૨ લાખ જેટલા હેલ્થ વર્કર્સ અને ૧.૮ લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને હજી (સોમવાર સવાર સુધીનો આંકડો) બીજો ડોઝ મળ્યો નથી.

સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો ધરાવતા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ, ૪૫થી વધુની ઉંમરના લોકોમાં સંક્રમણ બાદ મૃત્યુનું વધુ જોખમ હોવાથી અને વૃદ્ઘોને પ્રાથમિકતા આપી શકાય તે માટે CoWin એપનો ઉપયોગ રસીકરણ માટે જરૂરી છે તેમ તેના મહત્વના કારણો સૂચવતાં કહેવાયું હતું. જોકે, જે હેતુ સાધવા માટે એપ તૈયાર કરાઈ હતી તેનાથી વિપરિત ટ્રેન્ડ જોવા મળે છે.

૧ મેથી ૧૮-૪૪ના વયજૂથના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ૨ મેએ આ વયજૂથના માત્ર ૮૬,૦૦૦ લોકોને પહેલો ડોઝ આપી શકાયો હતો. જોકે, ત્યાર પછી રસીકરણ ઝડપથી થયું છે અને સોમવાર સુધીમાં ૧.૯૪ કરોડ લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. જેનું કારણ છે, જે-તે કંપનીના માલિકોએ તેમના કર્મચારીઓ માટે કેમ્પ અને અન્ય આયોજનો કર્યા હતા જેથી તેઓ રસી લઈ શકે.

એકંદરે ૧૮+ની ૪૮% વસ્તીને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે પરંતુ માત્ર ૧૪%ને બંને ડોઝ મળ્યા છે. ૧૮-૪૫ના વયજૂથના લોકો માટે ૧ મેથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, જે આશરે ૧૬ અઠવાડિયા પહેલા હતું.

(11:37 am IST)