Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને 'થપ્પડ' મારવાનું કહીને ફસાયા કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે : નાસિક અને પુણેમાં ફરિયાદ

રાણેના વિરોધમાં શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા :મુંબઈમાં નારાયણ રાણેના જુહુ ખાતેના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવાઈ

મુંબઈ :ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન કરવાના કારણે મહારાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ નિવેદન આપવા બદલ નાસિક અને પુણેમાં રાણે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. શિવસેના દ્વારા નારાયણ રાણેનો વિરોધ કરાઈ રહ્યો છે. રાણેના વિરોધમાં શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા છે.શિવસેનાના વિરોધ બાદ મુંબઈમાં નારાયણ રાણેના જુહુ ખાતે આવેલા નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે સોમવાર 23 ઓગસ્ટે મહાડમાં પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જો તે ત્યાં હોત તો તેમણે કાનની નીચે થપ્પડ મારી દીધી હોત’. તેમના આ નિવેદન બાદ શિવસેના ખૂબ જ નારાજ છે.રાત્રે જ રાણે સામે પ્રથમ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી
નારાયણ રાણેના વિરોધમાં ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ દાદર ટીટી સર્કલ પર મરઘી ચોરના પોસ્ટર લગાવ્યા હતા. જોકે, બીએમસીએ વહેલી સવારે આ પોસ્ટરો હટાવી દીધા હતા.અમેયા ઘોલેએ કહ્યું કે આ ક્રિયાની સામે પ્રતિક્રિયા છે. સોમવાર 23મી ઓગસ્ટે નારાયણ રાણેએ કોરોના મહામારી વિશે કહ્યું હતું કે આજે તમામ વ્યવસાય ખરાબ હાલતમાં છે. લોકો આગામી 10 વર્ષ સુધી ફરી બેઠા થઈ શકે તેમ નથી, તે માત્ર ઉદ્ધવ ઠાકરેના કારણે જ બન્યુ છે.

(11:08 am IST)