Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

આજે સાંજે કોર કમિટીની મીટીંગમાં મહત્વના નિર્ણયો લેવાશે

જન્માષ્ટમી-ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો હળવા થવાની સંભાવના

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે કફર્યુમાં છૂટછાટની સંભાવનાઃ ગણેશોત્સવ માટે પણ કેટલીક છૂટછાટો જાહેર થશે

અમદાવાદ, તા. ૨૪ :. ચાલુ સપ્તાહથી તહેવારોની મોસમ ખીલી રહી છે અને ખુશીની વાત એ છે કે છેલ્લા દોઢ વર્ષથી લોકોને હેરાન પરેશાન કરતા કોરોનાએ પણ પોરો ખાતા લોકોના હૈયે ટાઢક વળી છે. આવી રહેલા તહેવારોને લઈને રાજ્ય સરકાર લોકોને કોરોના નિયંત્રણોમાં કેટલીક છૂટછાટ આપે તેવી શકયતા છે.

આજે સાંજે ગાંધીનગર ખાતે કોર કમિટીની મીટીંગ મળનાર હોવાનું જાણવા મળે છે અને તેમા જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણીને લઈને કેટલીક છૂટછાટો જાહેર કરવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાએ વિરામ લીધો છે અને દૈનિક કેસ પણ ઘટવા લાગ્યા છે. એટલુ જ નહિ વેકસીનેશનનું કામ પણ પૂરપાટ દોડી રહ્યુ છે ત્યારે સરકારે પણ મન બનાવ્યુ છે કે લોકોને તહેવારો ઉજવવામાં બાધા ઉભી ન કરવી.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જન્માષ્ટમીના દિવસે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવ રંગેચંગે મનાવાતો હોય છે. રાત્રે ૧૨ વાગ્યે આ માટેની ઉજવણી થતી હોય છે ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૮ મહાનગરોમાં એ દિવસ પુરતી કફર્યુમાં છૂટછાટ જાહેર કરે તેવી શકયતા છે. એટલે કે તે દિવસે મહાનગરોમાં કફર્યુનો અમલ નહિ થાય. જો કે ત્યાર પછી નિયંત્રણો યથાવત રહેશે તેવુ જાણવા મળે છે. જન્માષ્ટમીના દિવસે યોજાતી ધાર્મિક યાત્રાને પણ નિયંત્રણો સાથે છૂટછાટ મળે તેવી શકયતા છે.

એટલુ જ નહિ આગામી ગણેશોત્સવને લઈને પણ રાજ્ય સરકાર કેટલીક છૂટછાટો જાહેર કરે તેવી શકયતા છે. રાજ્ય સરકારે ૪ ફૂટની ગણેશની મૂર્તિના સ્થાપનને મંજુરી આપી છે એ અત્રે નોંધનીય છે. હવે ગણેશ વિસર્જનને લઈને પણ નિયંત્રણોમાં છૂટછાટ જાહેર થાય તેવી શકયતા છે. આ દરમિયાન નાની વિસર્જન યાત્રાને છૂટ મળશે પરંતુ કોઈ મોટાપાયે આ પ્રકારના યાત્રાને મંજુરી આપવામાં નહિ આવે.

રાજ્ય સરકાર હજુ કોરોનાને લઈને ગંભીર છે અને એવી કોઈ છૂટછાટ આપવા માંગતી નથી કે જેનાથી શાંત પડેલો કોરોના ફરી ધૂણવા લાગે.

(10:53 am IST)