Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

૩૬૩ સાંસદ, ધારાસભ્‍ય સામે ફોજદારી કેસઃ દોષિત પુરવાર થાય તો ગેરલાયક ઠરે

ભાજપ પાસે ગુનાહિત રેકોર્ડ ધરાવતા સૌથી વધુ ૮૩ સાંસદ/ધારાસભ્‍ય છે

 

નવી દિલ્‍હી,તા.૨૪: મતદાન અધિકાર જૂથ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સે (એડીઆર) જણાવ્‍યું હતું કે દેશના ૩૬૩ સાંસદ અને ધારાસભ્‍યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે અને જો તેઓ દોષિત જાહેર થાય તો લોકપ્રતિનિધિત્‍વ કાયદા હેઠળ તેઓ ગેરલાયક ઠરી શકે છે.

કેન્‍દ્રમાં અને રાજયમાંના ૩૯ મંત્રીઓએ અપરાધિક ગુના પણ જાહેર કર્યા છે જેને જનપ્રતિનિધિત્‍વ અધિનિયમની કલમ ૮માં અયોગ્‍યતામાં ઠેરવવામાં આવ્‍યા છે.  જનપ્રતિનિધિત્‍વ અધિનિયમની વિવિધ કલમ અને પેટા કલમમાં જણાવવામાં આવેલા ગુના માટે દોષિત ઠરનાર જનપ્રતિનિધિઓ દોષિત ઠર્યાના દિવસથી ગેરલાયક ઠરશે અને તેમના ગુનાની સજા પૂરી થયા બાદ પણ છ વર્ષ માટે ગેરલાયક જ રહેશે.  એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (એડીઆર) અને નેશનલ ઇલેક્‍શન વોચ દ્વારા ૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં લોકસભાના ૫૪૨ સભ્‍ય અને ૧,૯૫૩ ધારાસભ્‍યોનાં સોગંદનામાંનું વિશ્ર્‌લેષણ કરવામાં આવ્‍યું હતું.  ,૪૯૫ સાંસદ/ધારાસભ્‍યમાંથી ૩૬૩ (૧૫ ટકા) સભ્‍યોએ જાહેર કર્યું હતું કે કોર્ટ દ્વારા કાયદામાં સૂચિબદ્ધ ગુનાઓ માટે તેમની સામે આરોપ દ્યડવામાં આવ્‍યા છે. આમાંથી ૨૯૬ ધારાસભ્‍યો અને ૬૭ સાંસદ છે. ભાજપ પાસે ગુનાહિત રેકોર્ડ ધરાવતા સૌથી વધુ ૮૩ સાંસદ/ધારાસભ્‍ય છે. કોંગ્રેસના ૪૭ અને તૃણમૂલ કોંગ્રેસના ૨૫ સાંસદ/ધારાસભ્‍ય ગુનાહિત રેકોર્ડ ધરાવે છે, એમ એડીઆર દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

(10:50 am IST)