Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કોરોના ભલે ધીમો પડયો હોય, પરંતુ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી માસ્‍ક પહેરવું હિતાવહ

નિષ્‍ણાતો હજી ત્રીજી લહેરની આશંકા વ્‍યકત કરી રહ્યા છે

 

નવી દિલ્‍હી,તા. ૨૪: કોરોનાકાળના ૧૭ મહિના અને બે લહેર બાદ નિષ્‍ણાતોએ કહ્યું છે કે આપણે હવે SARS-CoV-2 વાયરસ સામે લડવા માટે સારી સ્‍થિતિમાં છીએ. પ્રથમ લહેરમાં ટેસ્‍ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટિંગનું મહત્‍વ સમજાયું હતું જયારે બીજી લહેરે ઓક્‍સિજન સપ્‍લાય અને રેમડેસિવિર અને સ્‍ટિરોઈડ જેવી દવાઓના મર્યાદિત ઉપયોગનું મહત્‍વ સમજાવ્‍યું.

માલતી ઐય્‍યરે મહારાષ્ટ્રની કોવિડ ટાસ્‍ક ફોર્સના સભ્‍યો ડોક્‍ટર રાહુલ પંડિત અને ડોક્‍ટર શશાંક જોષી સાથે વાતચીત કરી હતી કે કેવી રીતે બે લહેરમાંથી ભણેલા પાઠ આપણને ત્રીજી લહેરના મેનેજમેન્‍ટમાં મદદ કરી શકે છે. ડોક્‍ટર જોષીએ જણાવ્‍યું હતું કે, ત્રીજી લહેરમાં ઝીરો ડેથ અંગે કામ કરવા પર આપણું ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઈએ.

બે લહેર વચ્‍ચેનો સમયગાળો ૧૦૦થી ૧૨૦ દિવસનો છે. ડોક્‍ટર પંડિતે જણાવ્‍યું હતું કે, છેલ્લા ૧૭ મહિનામાં અમે બે લહેર વચ્‍ચેનો સમયગાળો જોયો છે. હવે, અમારો ધ્‍યેય આ સમયગાળાને લંબાવીને ૨૦૦ કે તેથી વધુ દિવસ કરવાનો છે જેથી કરીને આપણે વધારેમાં વધારે લોકોને વેક્‍સીન આપી શકીએ અને સંભવિત ત્રીજી લહેરની અસરને ઓછી કરી શકીએ.

તેમણે ઉમેર્યું હતું કે, ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી માસ્‍કનો ઉપયોગ કરવો આપણા હિતમાં ગણાશે. તેનાથી સુનિશ્ચિત થાય છે કે આપણી સામે જોખમ ઓછું છે. નોંધનીય છે કે બીજી લહેર માટે જવાબદાર ડેલ્‍ટા વેરિયન્‍ટ વેક્‍સીન એન્‍ટિબોડિઝમાંથી છટકી જાય છે અને જે લોકોએ વેક્‍સીનના બંને ડોઝ લીધા હતા તેમને પણ તેનો ચેપ લાગ્‍યો હતો.

ઓક્‍ટોબર ૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેર સમાપ્ત થઈ ત્‍યારે જાહેર સ્‍વાસ્‍થ્‍ય સિસ્‍ટમ બીજી લહેર શરૂ થવા સુધીના સમયનો ઉપયોગ કરવામાં નિષ્‍ફળ રહી હતી. બીજી લહેર ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થઈ હતી. પ્રથમ અને બીજી લહેર વચ્‍ચેના સમયગાળામાં જાહેર સ્‍વાસ્‍થ્‍ય સુવિધાને વધારે સારી બનાવવાની જરૂર હતી.

ડોક્‍ટર જોષીએ જણાવ્‍યું હતું કે પ્રથમ લહેર દરમિયાન ડોક્‍ટરોને પણ ખ્‍યાલ ન હતો કે કોરોનાના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી જોઈએ. પરંતુ આઠથી ૧૨ સપ્તાહની અંદર જ અમે પેટર્ન સમજી ગયા હતા કે કોણ વધારે ગંભીર છે અને કોને હોસ્‍પિટલમાં ભરતી કરવાની જરૂર છે. મુંબઈએ મોટી હોસ્‍પિટલ તૈયાર કરવા પર ધ્‍યાન આપ્‍યું હતું જયાં ઓક્‍સિજન-સપોર્ટ બેડ હતા જેથી બીજી લહેરનો સામનો કરવામાં મદદ મળી હતી.

(10:49 am IST)