Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અફઘાનિસ્‍તાન મામલે શું હશે ભારતનું પગલું? સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

૨૬ ઓગસ્‍ટે સવારે ૧૧ વાગ્‍યે સર્વપક્ષીય બેઠક

 

નવી દિલ્‍હી,તા.૨૪:અફઘાનિસ્‍તાન પર તાલિબાનના કબજા બાદ ઊભી થયેલી કપરી સ્‍થિતિને લઈ વિદેશ મંત્રાલય સંસદના બંને ગૃહોના નેતાઓને જાણકારી આપશે. વિદેશ મંત્રી એસ. જયશંકર એ આ સંબંધમાં ટ્‍વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી એ તમામ રાજકીય પાર્ટીઓના ફ્‌લોર લીડર્સને અફઘાનિસ્‍તાનની તાજેતરની સ્‍થિતિને લઈ સૂચિત કરવાનો આદેશ આપ્‍યો છે. આ સર્વપક્ષીય બેઠક ૨૬ ઓગસ્‍ટે સવારે ૧૧ વાગ્‍યે બોલાવવામાં આવી છે, જેમાં સરકારના અફઘાનિસ્‍તાનની તાજેતરની સ્‍થિતિ પર ચર્ચા કરશે અને તાલિબાનને લઈ આગળના પગલાં પર તમામ પાર્ટીઓ સાથે વિચાર-વિમર્શ કરશે.

અફઘાનિસ્‍તાનમાં તાલિબાનના કબજા બાદ અમેરિકા , ભારત, બ્રિટન જેવા અનેક દેશ ત્‍યાં ફસાયેલા પોતાના નાગરિકોને પ્‍લેનના માધ્‍યમથી બહાર કાઢી રહ્યા છે. ભારતે પણ ત્‍યાં ફસાયેલા ભારતીયને સુરક્ષિત સ્‍વદેશ લાવવા માટે રોજની બે ફ્‌લાઇટ કાબુલથી ભારત માટે સંચાલિત કરવાનો નિર્ણય લીધો છે. ભારતે એ વાતનું પણ આશ્વાસન આપ્‍યું છે કે અફઘાનિસ્‍તાનમાં ફસાયેલા હિન્‍દુ અને શીખો ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્‍વીટમાં કહ્યું કે, અફઘાનિસ્‍તાની સ્‍થિતિને જોતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્‍યા છે કે તેઓ આ સંબંધમાં તમામ પાર્ટીઓના ફ્‌લોર લીડર્સને જાણકારી આપે. સંસદીય કાર્યમંત્રી આ વિશે સમગ્ર જાણકારી આપશે.

જોકે, આ મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ સવાલ ઊભા કર્યા છે. તેમણે ટ્‍વીટર પર એસ. જયશંકરની પોસ્‍ટ પર સવાલ કરીને પૂછ્‍યું કે પીએમ મોદી આ મુદ્દે કેમ કંઈ નહીં બોલે.

(10:47 am IST)