Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

છોકરીઓને નેઇલ પોલીશના ઉપયોગ પર સજા ફટકારશે તાલિબાન: જીન્સ પહેરતા કેટલાંય યુવકોને ઢોર માર માર્યો

તાલિબાની ફતવો -નેઇલ પોલિશ લગાવા પર પ્રતિબંધ, જો કોઇ આમ કરશે તો તેની આંગળીઓ કાપી નાંખવામાં આવશે

નવી દિલ્હી : અફઘાનિસ્તાનથી તાલિબાનની ક્રૂરતાના સમાચાર સામે આવી રહ્યા છે. પોતાને 'બદલાયેલા' બતાવનાર તાલિબાન અફઘાનના લોકોને ખૂબ પ્રતાડિત કરી રહ્યા છે. તાલિબાનીઓએ જીન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે અને છોકરીઓને નેઇલ પોલીશના ઉપયોગ નહિ કરવા કહ્યું છે. આતંકીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમની વાત નહીં મારનારને તેની સજા ભોગવવી પડશે. તાજેતરમાં જીન્સ પહેરનાર કેટલાંય યુવકોને બેરહેમીથી ફટકાર્યા હતા.

'ધ સન'માં છપાયેલા રિપોર્ટ અનુસાર એક અફઘાની બાળકે તાલિબાની ક્રૂરતા ઉજાગર કરતાં કહ્યું કે તેને અને તેના મિત્રને જીન્સ પહેરવા પર કડક સજા ફટકારી હતી. તેઓ તેમના મિત્રો સાથે કાબુલમાં બહાર જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા તાલિબાની લડાકુઓએ રોકી લીધા. આંતકીઓએ જીન્સને ઇસ્લામનો અનાદર બતાવતા પહેલાં માર્યા અને પછી બંદૂક દેખાડી તેમને ફરીથી ભૂલ ના કરવાની ધમકી આપી દીધી.

અફઘાની ન્યૂઝપેપર Etilaatrozએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અખબારે એક પત્રકારે પણ પારંપરિક અફઘાની પોશાક નહીં પહેરવા પર તાલિબાની આતંકીઓએ પિટાઇ કરી હતી. તો કંદહારમાં તાલિબાને મહિલાઓ અને છોકરીઓ માટે ફતવો રજૂ કર્યો છે. આ ફતવામાં કહ્યું છે કે નેઇલ પોલિશ લગાવા પર પ્રતિબંધ છે. જો કોઇ આમ કરશે તો તેની આંગળીઓ કાપી નાંખવામાં આવશે. એટલું જ નહીં મહિલાઓને હીલવાળા સેન્ડલ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી કરીને તેમના પગનો અવાજ કોઇ અજનબી સાંભળી ના શકે.

તાલિબાની લડાકુઓ રસ્તા પર ફરી-ફરીને લોકોને ડરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલીય છોકરીઓનું અપહરણ કરીને બીજા દેશમાં વેચી ચૂકયા છે. જ્યારે કેટલીક સાથે જબરદસ્તી આતંકીઓએ લગ્ન કર્યા છે. પોતાના પહેલાં શાસનમાં પણ તાલિબાની આતંકીઓએ આવી જ રીતે મહિલાઓ પર અત્યાચાર કર્યો હતો. તેના લીધે જ મોટાભાગની મહિલાઓ અફઘાનિસ્તાન છોડીને ભાગવા માંગે છે. કાબુલ એરપોર્ટ પર હજુ પણ સેંકડોની સંખ્યામાં મહિલાઓ હાજર છે. તેમને આશા છે કે કોઇને કોઇ રીતે તેમને મદદ ચોક્કસ મળશે.

(10:42 am IST)