Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા ટનકપુર નેશનલ હાઈવે બંધ : મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાયા

ચંપાવત-ટનકપુર હાઇવે પર સ્વાલા નજીકના ડુંગરનો એક ભાગ ધરાશાયી થયો

ઉત્તરાખંડના ચંપાવતમાં ભારે ભૂસ્ખલન થયું છે, જેના કારણે ટનકપુર નેશનલ હાઇવે બંધ થઈ ગયો છે. DM વીનિત તોમરે જણાવ્યું કે, કાટમાળ હટાવવામાં બે દિવસ લાગશે. મેં સંબંધિત અધિકારીઓને ટ્રાફિકને અન્ય માર્ગ પર વાળવાનો નિર્દેશ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે ચંપાવત-ટનકપુર હાઇવે પર સ્વાલા નજીકના ડુંગરનો એક ભાગ ધરાશાયી થયો અને ભૂસ્ખલનની પ્રક્રિયા સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહી હતી. આ કારણોસર, વાહનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પછી ભૂસ્ખલનને કારણે આખો પર્વત તૂટી પડ્યો. જેના કારણે સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાટમાળ જમા થઈ ગયો છે. કાટમાળ સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડ્યો નથી. પરંતુ પર્વતો પરથી કાટમાળ પડી રહ્યા છે. સોમવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ ડુંગરનો મોટો ભાગ રસ્તા પર પડ્યો હતો. 100 મીટર સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે કાટમાળથી ઘેરાયેલો છે. ઓલવેદર રોડ બનાવનાર સંગઠને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું છે. જેસીબી અને પોકલેન્ડ મશીનો દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

(12:58 am IST)