Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટેના નિયમો જાહેર :સરઘસ અને ભીડ ભેગી કરીને વિસર્જન કરવા પર પ્રતિબંધ

જાહેર ગણેશોત્સવની મૂર્તિઓની ઊંચાઈ 4 ફૂટ હશે, અને ઘરેલું ગણપતિની મૂર્તિઓ 2 ફૂટની હશે.

મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ સંદર્ભે સોમવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને ગણેશ મંડળો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગણેશ ભક્તો જાહેરમાં તહેવારની ઉજવણી કરતી ભીડ સાથે લઈને સરઘસના રૂપમાં વિસર્જન સ્થળ પર જઈ શકાશે નહીં. પરંતુ મોટા જાહેર ગણેશ મંડળોને દરિયાકિનારે અને ચોપાટી પર ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગણેશોત્સવ સંકલન સમિતિની બેઠક સોમવારે સમાપ્ત થઈ. આ બેઠકમાં ગણેશોત્સવ મંડળ 4 ફૂટની મૂર્તિઓ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે અને સાદગી સાથે ઉજવણી કરવામાં આવશે. વિસર્જન સ્થળે પહોંચવા માટે સરઘસને લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરંતુ ચોપાટીએ જઈને વિસર્જન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. મોટા સાર્વજનિક ગણેશ મંડળો ચોપાટીએ જઈને ગણપતિ વિસર્જન કરી શકશે. પરંતુ વિસર્જન માટે માત્ર 10 કાર્યકરોને જ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ભીડ ભેગી કરવાની રહેશે નહીં તેમજ સરઘસ કાઢી શકાશે નહીં. ગણેશ ઉત્સવને લઈને આ બેઠકમાં શું નિર્ણય લેવાશે તેના પર દરેકની નજર હતી.

 

આગામી ગણેશોત્સવ અને વિસર્જન માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગણેશોત્સવ સંકલન સમિતિની બેઠકમાં ગત વર્ષના નિયમોને આ વર્ષે પણ કાયમ રાખવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર જાહેર ગણેશોત્સવની મૂર્તિઓની ઊંચાઈ 4 ફૂટ હશે, જ્યારે ઘરેલું ગણપતિની મૂર્તિઓ 2 ફૂટની હશે. ભીડ ન વધે તે માટે ગણેશ મંડળોએ ધ્યાન રાખવું પડશે. 84 પ્રાકૃતિક ગણેશ વિસર્જન સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે.

મૂર્તિ વિસર્જન માટે નિયત સ્થળોએ નગરપાલિકાને મૂર્તિ આપવાની રહેશે. આ પછી મહાપાલિકા જ ગણેશ વિસર્જન કરશે. સાર્વજનિક મૂર્તિ વિસર્જન માટે એક મંડળમાંથી દસ કાર્યકરોને મંજૂરી છે. નાના બાળકો અને વૃદ્ધોને વિસર્જન સ્થળ પર ન આવવાની અપીલ કરવામાં આવી છે.

ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવી જોઈએ. સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ. આરતી, ભજન, કીર્તન દરમિયાન ભીડ ભેગી ન કરવી જોઈએ. ભક્તોએ પણ ભીડ વધારવાને બદલે ઓનલાઈન દર્શન કરવા જોઈએ. ગણપતિ મંડળોમાં સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રિનિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ.

(12:52 am IST)