Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ભીમા કોરોગાંવ હિંસા કેસમાં NIAની ચાર્જશીટ દાખલ: ચોંકાવનારા ખુલાસા

દેશ વિરુદ્ધ યુદ્ધ કરીને તેમની સરકાર ચલાવવા માંગતા હતા.:JNU અને TISSના વિદ્યાર્થીઓની ભરતી કરાઈ

નવી દિલ્હી : ભીમા કોરોગાંવ હિંસા કેસમાં NIAએ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાંથી આ કેસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. NIA દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એલ્ગાર પરિષદ અને માઓવાદીઓ વચ્ચે સંબંધ છે. NIAએ 16 આરોપીઓ અને છ ફરાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

આ સાથે NIAએ કહ્યું છે કે આરોપીઓએ સરકાર અને તેના નાગરિકો વિરુદ્ધ કાવતરું ઘડીને ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કર્યો છે. તેઓ દેશ વિરુદ્ધ યુદ્ધ કરીને તેમની સરકાર ચલાવવા માંગતા હતા.

NIAએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. તે પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ આતંકવાદી કાવતરાને પાર પાડવા માટે દેશની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ JNU અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના વિદ્યાર્થીઓની ભરતી કરી હતી. દેશ વિરુદ્ધ ષડયંત્ર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ વિદ્યાર્થીઓનો ઉપયોગ થવાનો હતો.

NIAના જણાવ્યા અનુસાર આ કેસમાં પકડાયેલા આરોપીઓ મણિપુરમાં આતંકવાદી સંગઠનોને M4 હથિયારો અને 4 લાખ રાઉન્ડ (કારતુસ) સપ્લાય કરવા માટે 8 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં રોકાયેલા હતા. આ હથિયારો દ્વારા આરોપી મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને નિશાન બનાવવા માંગતા હતા.

(12:45 am IST)