Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શકયતા : 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે

લપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો તૈયાર : ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો : 50 કરોડથી વધુ લોકાર્પણ કરે તેવી શકયતા

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે, તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે. પીએમ મોદી આ ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે.

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય 50 કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે. આ સાથે જંગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જોડીને જોવ જઈ શકે એવી હાલ શક્યાતા જોવા મળી રહી છે. તંત્ર આ બાબતે કોઈપણ જાતની સૂચના હોવાની વાત કરી રહ્યું છે. પરંતુ PMO માંથી CMOમાં વડાપ્રધાનની ગુજરાત, કેવડિયા મુલાકાતની તૈયારીઓની સૂચના મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(12:00 am IST)