Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કેરળમાં એલર્ટ : મુંબઈ-દિલ્હીમાં બે દિ' ભારે વરસશે

મુંબઈમાં ગતરાતથી વરસાદ સતત ચાલુ : કેરળમાં શાળા - કોલેજો બંધ રાખવા આદેશ : હિમાચલ પ્રદેશ, જમ્મુ - કાશ્મીર, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ વરસાદ પડશે : સ્કાયમેટ : દેશના અનેક ભાગોમાં વરસાદ : હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટકના ઉડુપી અને કોડાગુમાં ભારે વરસાદ પડી શકે છે. આ શહેરોમાં રેડએલર્ટ જારી કરી દેવાયુ છે. આજે અને કાલે શાળા - કોલેજો બંધ રહેશે. દક્ષિણ ભારતમાં પણ વરસાદ પડશે.

નવી દિલ્હી, તા. ૨૪ : દેશભરમાં ચોમાસુ ફરી સક્રિય થયુ છે ત્યારે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં કોઈ કોઈ જગ્યાએ મેઘરાજા વરસી રહ્યા છે. દરમિયાન  કેરળ, મુંબઈ અને દિલ્હીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ વરસાદ પડશે તેમ હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે.

મુંબઈમાં ગતરાતથી વરસાદ ચાલુ છે. આજે પણ ચાલુ રહેશે. જયારે દિલ્હી-એનસીઆરમાં પણ આવતીકાલે અને શુક્રવારે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. સ્કાયમેટે જણાવ્યુ છે કે, ૨૫ જુલાઈ પછી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડશે. મુંબઈ કરતા મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરીના અમુક જિલ્લાઓમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગોવા, દક્ષિણ કોકંણ, કર્ણાટક અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય થઈ ગયુ છે.

હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ આજે ઘણી જગ્યાઓ ઉપર વરસાદ પડશે. આ સિવાય ગુજરાત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ એક - બે દિવસમાં વાતાવરણ પલટાશે. મધ્યપ્રદેશમાં આજે જોરદાર વરસાદ પડશે. ગુજરાતમાં તા.૨૪ અને ૨૫ (બુધ અને ગુરૂ)ના સારા વરસાદની સંભાવના છે. ગોવા, કર્ણાટક, કેરળ અને દક્ષિણ તામિલનાડુના દરિયાઈ વિસ્તારો સહિત આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ સમૂહો ઉપર પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરીયો ન ખેડવા સુચનાઓ આપવામાં આવી છે.

દરમિયાન વરસાદે મુંબઈવાસીઓની પરેશાનીમાં વધારો કરી દીધો છે. ગત રાતથી ત્યાં વરસાદ ચાલુ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાનું જાણવા મળે છે. જાહેર માર્ગો ઉપર તેમજ રેલ્વે ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. અંધેરી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ૮ લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે.

(1:18 pm IST)