Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

લગ્ને લગ્ને કુંવારા પતિનો ભાંડો પત્નીએ ફોડયો

દહેજ માટે ત્રણ-ત્રણ લગ્ન કરી ચૂકેલો 'મુરતિયો'ચોથા લગ્નની તૈયારીમાં હતો

સોલાપુર, તા.૨૪: દહેજ માટે ત્રણ-ત્રણ લગ્ન કરી ચૂકેલો 'મુરતિયો'ચોથા લગ્નની તૈયારીમાં હતો ત્યારે જ ત્રણ પત્નીએ તેનો ભાંડો ફોડયો હોવાની ઘટના સોલાપુરમાં બની હતી. આ પ્રકરણે પત્નીએ જ પતિ વિરુદ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફિલ્મી વાર્તાને છાજે તેવી ઘટના સોલાપુરમાં બની હતી. ત્રણ લગ્ન કરનારા શખસની ઓળખ પ્રકાશ જગનગવળી તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર જગનગવળીએ પહેલાં લગ્ન ૨૦૦૬માં કર્યાં હતાં. લગ્ન બાદ રિક્ષા માટે પિયરથી રૂપિયા લઈ આવવા માટે તે પત્નીને કથિત ત્રાસ આપવા લાગ્યો હતો. આ વાતને લઈ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. પતિ મારપીટ કરતો હોવાથી કંટાળીને પત્ની ઘર છોડી પિયર રહેવા ચાલી ગઈ હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પહેલી પત્ની પિયર જતી રહી હોવાની તક ઝડપી જગનગવળીએ ૨૦૧૫માં પુણેમાં રહેતી યુવતી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તે સમયે તેણે પોતાની ઓળખ બીએસએનએલમાં કલર્ક તરીકેની આપી હતી. બીજી પત્ની પાસેથી દહેજ લીધા બાદ તેને પણ કથિત ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે ધાર્યું જગનગવળી જેવું જ થયું. બીજી પત્ની પણ તેને છોડીને પિયર જતી રહી હતી. કહેવાય છે કે બાદમાં તેણે ત્રીજાં લગ્ન કર્યાં હતાં અને ત્રીજી પત્ની સાથે પણ એવું જ વર્તન કરતો હતો. પરિણામે ત્રીજી પત્ની પણ તેનાથી અલગ રહેવા જતી રહી હતી.

હાલમાં જગનગવળી ચોથા લગ્નની તૈયારીમાં હતો. લગ્ન માટે તેણે કધયા જોઈ હોવાની અને તેના પરિવારજનો સાથે વાતચીત ચાલી રહી હોવાની જાણ જગનગવળીની એક પત્નીને થઈ હતી. તપાસ દરમિયાન તેણે અન્ય બે યુવતી સાથે લગ્ન કર્યાં હોવાનું જણાયું હતું. એકબીજાનો સંપર્ક સાધી ત્રણેય પત્ની સાથે મળીને પોલીસ સ્ટેશને પહોંચી હતી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(11:45 am IST)