Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સાવધાન...ચેતી જજો

રિટર્નમાં ખોટી માહિતી આપશો તો ર૦૦ ટકા દંડ

આયકર વિભાગ દરેક રિટર્નની બારીકાઇથી ચકાસણી કરશેઃ જાણી જોઇને ખોટુ કર્યુ તો વધુમાં વધુ પેનલ્ટી વસુલાશે

નવી દિલ્હી તા. ર૪ :.. પહેલાની સરખામણીમાં આ વર્ષે આવક વેરા વિભાગ રીટર્નની સ્ક્રુટીની વધારે બારીકીથી કરશે. ઘર ભાડાની રસીદ અને અન્ય કર છૂટના વિકલ્પો હેઠળ ખોટી માહિતી આપવા બદલ નોટીસ મોકલવામાં આવશે. રિટર્નમાં ખોટી માહિતી આપનારાઓને ર૦૦ ટકા દંડ લગાવી શકાશે.

હાલમાં આવકવેરા ચોરીના કેસમાં દંડ તરીકે કરની રકમના પ૦ ટકાથી ર૦૦ ટકા સુધીની જોગવાઇ છે. એટલે જાણી જોઇને કરવામાં આવેલી ચોરીના કેસમાં આવક વેરા વિભાગ મહત્તમ દંડ વસુલવાની તૈયારીમાં છે.

આવકવેરા વિભાગ આ વખતે ટેકનીકનો ઉપયોગ કરીને લોકોની આવક અને ખર્ચ જેવી માહિતીને વધારે બારીકીથી મેળવી જોશે. ફોર્મ-૧૬ ને આવકવેરા રિટર્ન સાથે ઇલેકટ્રોનીક રીતે મેળવવામાં આવશે. બેંકની લેવડ દેવડ અને અન્ય સ્ત્રોતો માટે કરાયેલ ખર્ચનું પણ ટેકનીકલ વેરીફિકેશન થશે. જેનાથી ઘર ભાડુ, ટયુશન ફી, ટેક્ષી અને મેડીકલ બીલની તપાસમાં સરળતા રહેશે.

ધંધાર્થીઓને ધંધા સંબંધિત ખર્ચાઓ અને ઓફીસ સ્ટેશનરી પર કર છૂટ મળે છે. વિભાગને શંકા છે કે આ ટેક્ષ છૂટ મેળવવા માટે કેટલાક લોકો ગોટાળા કરે છે અને ખોટા બીલ રજૂ કરે છે. એટલે સ્ક્રુટીનીમાં વધારે સતર્કતા રાખવામાં આવશે.

આ વખતે સંદિગ્ધ આવક વેરા રિટર્નની તપાસ બિગ ડેટા એનાલીટીકસ સિસ્ટમ દ્વારા પણ કરવામાં આવશે. આજ કારણથી રિટર્ન ફોર્મમાં વધારાના ભથ્થાઓની પણ માહિતી આપવાનું ફરજીયાત બનાવાયુ છે. જેમાં હાઉસ રેન્ટ એલાઉન્સ, એલટીસી અને પેન્શન જેવી માહિતીઓ ભરવાનું ફરજીયાત છે.

(11:39 am IST)