Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

હું માત્ર સાડા ત્રણ કલાક ઊંઘુ છું : હું મારી જિંદગીમાં નાનપણથી જ બધુ છોડી ચૂકયો છું : નરેન્દ્ર મોદી

નાનપણમાં લોટામાં ગરમ કોલસા ભરી ઇસ્ત્રી કરતો : મોદીએ અક્ષયકુમાર સાથેની મુલાકાતમાં ખોલ્યા અંગત જીવનના રહસ્યો

નવી દિલ્હી તા. ૨૪ : સામાન્ય રીતે રાજનીતિ અને દેશની વાતો કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાના દિલની વાતો કરી છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાની અંગત વાતો શેર કરી છે. પ્રધાનમંત્રીને જયારે અક્ષયે તેમના પરિવાર સાથે જોડાયેલા પ્રશ્નો કર્યા તો તેમણે કહ્યું કે, મારી માતા કહે છે કે, મારી પર સમય કેમ ખરાબ કરે છે. વાત જાણે એમ છે કે, અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું કે, અમને બધાને પરિવાર સાથે રહેવાનું પસંદ છે. તમે કેવી રીતે પરિવારથી દૂર રહી શકો છો?

ઈન્ટરવ્યૂ દરમ્યાન અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું હતું કે, જેવી રીતે હું મારી માતા સાથે રહું છુ, તમને નથી લાગતું કે, તમારી માતા, તમારા ભાઈ અને પરિવારના લોકો તમારી સાથે રહે. આ પ્રશ્ન પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે, હું મારી જિંદગીની નાની ઉંમરમાં જ બધુ છોડી ચુકયો છું. મારી માતા તો મને કહે છે કે, મારી પર કેમ સમય બરબાદ કરે છે. આ રીતે એક અન્ય પ્રશ્નમાં અક્ષય કુમારે પીએમ મોદી પાસે તેમની ઓછી ઊંઘનું રહસ્ય જાણવાની કોશિસ કરી.

અક્ષય કુમારે પુછ્યું કે, તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો. અક્ષયે કહ્યું કે, સાત કલાક ઊંઘવું જ જોઈએ કેમ કે, શરીરની જરૂરત છે. આ પ્રશ્ન પર મોદીએ કહ્યું કે, જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મને પહેલી વખત મળવા આવ્યા હતા, તે પણ આ વાતથી પરેશાન હતા. તેમણે કહ્યું હતું કે, મોદીજી તમે આવું કેમ કરો છો. તેમણે કહ્યું કે, અમે બંને સારા મિત્ર છીએ અને તે જયારે પણ મળે છે તો પુછે છે કે, તમે મારી વાત માનો છો કે નહીં

બોલિવુડ એકટર અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીનો નોન પોલિટિક ઇન્ટરવ્યુ લીધો છે. તેનો ટીઝર વીડિયો તેમણે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોઝમાં અક્ષય કુમાર નરેન્દ્ર મોદીને હસતા-હસતા મજાક કરતાં અને તેમની ખાનગી જિંદગી પર વાત કરતાં દેખાઇ રહ્યાં છે. મોદી અક્ષય કુમારને પોતાની જિંદગીના કિસ્સા સંભળાવે છે જયારે તેઓ લોટામાં ગરમ કોલસા નાંખી પોતાના કપડાં ઇ સ્ત્રી કર્યા કરતા હતા.

પીએમ મોદીએ અક્ષયકુમારને પોતાની ડ્રેસિંગ સેન્સ અંગે કહ્યું કે તમે મને મારી ફેશન માટે પૂછયું. તો આપને જણાવું કે એ વાત સાચી છે કે વ્યવસ્થિત રીતે રહેવું એ મારી પ્રકૃતિ હતી. કદાચ એક કારણ એ પણ હતું કે ગરીબીના લીધે કયારેક-કયારેક નાનો મહેસૂસ કરતો હતો. કદાચ નાનપણમાં સાયકોલોજી વાંચ્યું હશે. અમારા ઘરમાં તો ઇસ્ત્રી નહોતી તો હું શું કરતો? લોટામાં ગરમ કોલસા ભરી લેતો હતો અને તેનાથી કપડાંને પ્રેસ કરતો અને પહેરીને જતો.

અક્ષયકુમારે વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદીને તેમની ઉંઘ અંગે પણ પૂછયું. અક્ષયે કહ્યું કે તમે ૩-૪ કલાક જ સૂઓ છો. એક શરીરને ૭ કલાકની ઊંઘ તો જોઇએ. તેના પર મોદીએ કહ્યું કે જયારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા મને મળ્યા તો પણ તેમને મને સૌથી પહેલાં આ મુદ્દા પર જ પૂછયું હતું. કારણકે તેઓ મારા મિત્ર છે તો તે મને કહેતા કે મારી વાત માનો છે કે નહીં. થોડીક ઉંઘ વધારી કે નહીં.

અક્ષય એ પૂછયું કે શું એ સાચી વાત છે કે કયારેક સંન્યાસી બનવા માંગતા હતા કે સોલ્જર બનવા માંગતા હતા. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જયારે કોઇને સેનાના યુનિફોર્મમાં જતા દેખતો તો બાળકની જેમ હું પણ સલામ કરતો હતો. એટલામાં ૧૯૬૨નું યુદ્ઘ છેડાયું, ત્યારે થયું કે આ તો દેશ માટે જીવવા-મરવાનો રસ્તો છે. એટલામાં મેં કયાંક વાંચ્યું કે ગુજરાતમાં કોઇ સૈનિક સ્કૂલ છે ત્યાં પ્રવેશ મળી શકે છે. તો મેં મારા પિતાજીને કહ્યું કે હું ત્યાં પ્રવેશ મેળવવા માંગું છું. તો તેમણે કહ્યું કે આપણી પાસે પૈસા કયાં છે? તું કંઇ રીતે જામનગર જઇશ? જામનગર તને કોણ લઇ જશે?

પીએમ મોદીને અક્ષય કુમાર પૂછે છે કે શું તમે કેરી ખાઓ છો? તો મોદી ખડખડાટ હસવા લાગ્યા તો અક્ષય કુમારે બીજો પ્રશ્ન પૂછયો કે શું તમે ખરેખર ગુજરાતી છો?

અક્ષય કુમારે એક ટ્વિટ કરી કહ્યું હતું કે જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કંઇક હટકર કરવા જઇ રહ્યાં છે. ત્યારબાદ લોકોએ અંદાજો લગાવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તેઓ રાજકારણમાં પગરણ માંડશે. અક્ષયે તે સમયે જ બીજી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ પોલિટિકસ જોઇન કરવાના નથી. હવે સમયની સાથે તેમને આખી વાત ઉજાગર કરી દીધી છે કે તેમણે પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે.

(4:16 pm IST)