Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

દાન આપવામાં અવ્વલ ગુજરાતીઓ : અમેરિકામાં લોસ એંજલસની સેરીટોસ કોલેજ માટે ગુજરાતીઓએ ઉદાર હાથે દાન આપ્યું : મૂળ ગુજરાતીઓ સ્થાપિત કોલેજ ફાઉન્ડેશને 32 લાખ ડોલર ભેગા કરી દીધા : મોદી અને શાહ તબીબ દંપતીઓએ 10 લાખ ડોલર આપ્યા

લોસ એંજલસ : દેશ હોય કે પરદેશ ,દાન આપવામાં ગુજરાતીઓ સદાય અવ્વ્લ નંબરે રહ્યા છે.તાજેતરમાં અમેરિકાના લોસ એંજલસની સેરીટોસ કોલેજ માટે ત્યાં વસતા ગુજરાતીઓએ દાનની સરવાણી વહાવી છે.મૂળ ગુજરાતીઓએ સ્થાપેલા કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે 32 લાખ ડોલરનું દાન એકત્ર કરી આપવામાં આવ્યું છે.ગુજરાતી ડોક્ટર દંપતીઓ દ્વારા દસ લાખ ડોલરનું દાન અપાયું છે.આમ કોલેજ માટે કુલ 42 લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઓ દ્વારા એકત્ર થયું છે.સેરીટોસ કોલેજ અમેરિકાની પ્રસિદ્ધ કોલેજોમાંની એક છે.

અમેરિકાના લોસ એંજલસથી 20 માઈલ દૂર સેરીટોસ સિટીમાં આવેલી સેરીટોસ કોલેજ અમેરિકન વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવાની બાબતમાં આઠમો રેન્ક ધરાવે છે.સાથે અમેરિકાની 25 કોમ્યુનિટી કોલેજોમાં નવમું સ્થાન ધરાવે છે.કોલેજમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.

ભારતીય ગુજરાતીઓ દ્વારા કોલેજને મળેલા ભંડોળના ઋણ સ્વીકાર માટે તાજેતરમાં ઝૂમ પર બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કોલેજના પ્રેસિડન્ટ ડો.જોસ ફિએરો સીટી ઓફ સેરીટોસના મેયર શ્રી નરેશ સોલંકી ,કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ શ્રી પરિમલ શાહ ,ફાઉન્ડેશન કમિટીના ડાયરેક્ટર તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના શ્રી યોગી પટેલ ,જૈન સોશિઅલ ગ્રુપના પ્રેસિડન્ટ શ્રી રાજેન્દ્ર વોરા ,તથા ડો.જશવંત મોદીએ ભાગ લીધો હતો.

કોલેજ પ્રેસિડન્ટ ડો.જોસ ફિએરોએ સહુને આવકાર્યા હતા.સેરીટોસ સિટીના મેયર શ્રી નરેશ સોલંકીએ સ્થાનિક સમાજના ઉત્કર્ષ માટે ઉદારતા દર્શાવવા બદલ તબીબ દંપતી ડો.જશવંત મોદી તથા ડો.મીરા મોદી ,ડો.હર્ષદ શાહ તથા ડો.રક્ષા શાહને અભિનંદન પાઠવ્યા હતા.ઓરોટીયાના મેયર રેને ટ્રવીનોએ જણાવ્યું હતું કે ડો.મોદી ,ડો.શાહ દંપતીઓ , કોલેજ ફાઉન્ડેશનના શ્રી પરિમલ શાહ ,તથા શ્રી યોગી પટેલ દ્વારા એકત્ર થયેલું ભંડોળ સમાજને લાંબા ગાળા સુધી લાભકારક રહેશે.કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ શ્રી પરિમલ શાહ તથા કમિટી ડાયરેક્ટર શ્રી યોગી પટેલે ફાઉન્ડેશનની પ્રવૃત્તિ વર્ણવી હતી. શ્રી પરિમલ શાહે દાતા તબીબ દંપતીઓ અને ફાઉન્ડેશનના સદ્કાર્યથી માત્ર જૈન ભારતીય અમેરિકનો જ નહીં ,સ્થાનિક લોકો અને કોલેજો તથા શૈક્ષણિક કાર્યક્રમોને લાભ થશે.બેઠકમાં મોનીકા ,લિ .કેરોલ ,ડો.ચેપલ ,ડો.રિક , જેનાના પ્રેસિડન્ટ શ્રી મહેશ વાશોર ,ડો.નીતિન શાહ ,ડો.જયેશ શાહ અને અન્યો જોડાયા હતા.તમામે દાતાઓને અભિનંદન આપ્યા હતા.

 

ફાઉન્ડેશનના ડાયરેક્ટર લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના શ્રી યોગી પટેલે જણાવ્યું હતું કે કોલેજના શૈક્ષણિક કાર્યો માટે 32 લાખ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર થયું છે.જેનાથી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતરમાં લાભ થશે.શ્રી રાજેન્દ્ર વોરાએ તબીબ દંપતીઓની સખાવતને બિરદાવી હતી.તેમના દ્વારા અપાયેલું દાન સ્થાનિક સમાજના ઉત્કર્ષમાં મહત્વનું રહેશે.
ભારતીયો એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ જ્યાં વસે છે એ કર્મભૂમિ માટે પણ સેવાકીય અને સમાજ ઉદ્ધારક કાર્યો કરતા રહે છે.સેરીટોસ કોલેજ માટે ફાઉન્ડેશનના શ્રી પરિમલ શાહ ,અને શ્રી યોગી પટેલ દાનના કાર્યમાં સહાયરૂપ  થતા  રહે છે.તેવું સ્થાનિક સમાચારપત્ર ડી.દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)