Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૪ બેંકોનાં ખાનગીકરણ અંગે સાંજે મહત્વની બેઠક

બેન્કીંગ વિભાગ - વિનિવેશ વિભાગ- નીતિ આયોગ બેઠકમાં જોડાશે

નવી દિલ્હી, તા.૨૪: સાંજે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઈને યોજાનારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયાના ખાનગીકરણ અંગે નિર્ણય થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા બજેટમાં બેંકોના ખાનગીકરણની ઘોષણા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણ માટેની યોજના છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ખાનગીકરણની સૂચિમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. જોકે, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વીએમ પોર્ટફોલિયોના સંશોધન વડા વિવેક મિત્ત્।લે કહ્યું હતું કે સરકાર દેશમાં ફકત ૫ બેન્કો રાખવા માંગે છે. અન્ય બેંકો કાં તો મર્જ કરવામાં આવશે અથવા તેમને ખાનગી બનાવવામાં આવશે. પરંતુ સરકાર તે જ બેંકોને મર્જ કરશે જેનું એકસપોઝર આખા દેશમાં હશે.

નિષ્ણાતો કહે છે કે જાહેર ખાનગી ક્ષેત્રની બેંકો બનાવીને ગ્રાહકો પર કોઈ ખાસ અસર નહીં થાય. બેંકની સેવાઓ પહેલાની જેમ ચાલુ છે. નિષ્ણાતો કહે છે કે અગાઉ સરકારે આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ કર્યું છે. આ બેંક લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯ માં, ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને સરકારે બેંકને સંકટમાંથી બહાર લાવવા માટે ૯,૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આઈડીબીઆઈ એક સરકારી બેંક હતી, જેની સ્થાપના દેશમાં ૧૯૬૪ માં થઈ હતી. એલઆઈસીએ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને આઈડીબીઆઈમાં ૫૧ ટકા હિસ્સો ખરીદ્યો છે. આ પછી, એલઆઈસી અને સરકારે મળીને આઈડીબીઆઈ બેંકને ૯,૩૦૦ કરોડ રૂપિયા આપ્યા. આમાં એલઆઈસીનો હિસ્સો ૪,૭૪૩ કરોડ રૂપિયા હતો.

(4:10 pm IST)