Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આપણી બેદરકારી મૂંગા પશુઓ માટે મુશ્કેલી સર્જે છે અને જીવલેણ પણ નીવડી શકે

ગાયનું ૪ કલાક ચાલ્યું ઓપરેશન : પેટમાંથી કાઢવામાં આવી ૪૮ કિલો પ્લાસ્ટિકની થેલીઓ, લોખંડની ખીલ્લીઓ, ચાઇનીઝ દોરા અને ઘણું બધું !

કોટા તા. ૨૪ : રાજસ્થાનના કોટા શહેરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગાયોને આપણે જાણતા કે અજાણતા શું ખવડાવી દઈએ છીએ તેની સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તેના વિશે સાંભળીને અને તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો. કોટા ખાતેના પશુ ચિકિત્સાલયમાં વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ એક ગાયનું ઓપરેશન કર્યું છે.

ગાયના ૪ કલાક ચાલેલા ઓપરેશન બાદ વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ જણાવ્યું કે, ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન ૪૮ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી છે. સાથોસાથ લોખંડની ૮ અણીદાર ખીલ્લીઓ પણ કાઢવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી કાઢવામાં આવેલી. ઓપરેશનમાં અનેક એવી ચીજો છે જેને જોઈને ચોંકી જવાય છે. આપણે લોકો બેદરકારી ભરેલું વર્તન કરીને રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દેતા હોઈએ છીએ. જેને ગાયો ખાઈ જાય છે અને તે તેના પેટમાં જમા થઈ જાય છે.

ડોકટર અખિલેશ પાંડે મુજબ, ૪ કલાક ચાલેલા ગાયના પેટના ઓપરેશન દરમિયાન ૪૮ કિલો પોલિથીન ઉપરાંત અન્ય ૮ કિલોમાં લોખંડની ખીલ્લીઓ, ચાઇનીઝ માંજો, દોરડાના ટુકડા, અનેક પ્રકારના રબ્બરના ફુગ્ગા વગેરે વસ્તુઓ બહાર કાઢવામાં આવી. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગાયના પેટમાં ૧૪ ટાંકા લેવામાં આવ્યા છે. અખિલેશ પાંડેએ લોકોને અપીલ કરી કે જાણતા અજાણતા પ્લાસ્ટિકની પોલિથીનમાં બંધ કરીને કચરો ન ફેંકો, કારણ કે મૂંગા જીવો પોલિથીનની થેલીઓને ખાઈ જાય છે અને તે તેના પેટમાં જઈને જમા થઈ જાય છે. એવામાં તેમના પેટમાં પોલિથીન અને અન્ય ચીજો જમા થવાના કારણે પેટમાં જગ્યા રહેતી નથી અને પ્રાણીનું મોત થઈ જાય છે.

(3:21 pm IST)