Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦થી વધુનું રોકડ દાન ન આપશોઃ IT

રાજકીય ડોનેશન મામલે અખબારોમાં એડ્ સાથે પ્રથમ જાહેર એડવાઇઝરી

નવી દિલ્હી તા. ૨૪ : આવકવેરા વિભાગે શનિવારે જાહેર જનતાને અપીલ કરીને કહ્યું છે કે રાજકીય પક્ષોને ૨૦૦૦ રૂપિયાથી વધુનું રોકડ દાન ન આપશો. લોકોને આ મામલે ગેરકાયદે ટ્રાન્ઝેકશનમાં પડીને ન ફસાવા કહ્યું છે.

આવકવેરા વિભાગે અગ્રણી દૈનિક અખબારોમાં મંગળવારે જાહેરખબર આપી હતી જેમાં કહેવાયું છે કે કોઈ જ વ્યકિતએ રજિસ્ટર્ડ ટ્રસ્ટ કે રાજકીય પક્ષને ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમનું રોકડ દાન ન આપવું. રાજકીય ડોનેશન મામલે આવકવેરા વિભાગ તરફથી આ સૌપ્રથમ જાહેર એડવાઈઝરી છે.

ચૂંટણી ફંડિંગને સ્વચ્છ કરવાના હેતુથી સરકારે તાજેતરમાં 'ચૂંટણી બોન્ડ'નોટિફાઈ કર્યા હતા જે એસબીઆઈની ચોક્કસ નક્કી કરાયેલી બ્રાન્ચમાંથી ખરીદી શકાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોને ઈચ્છે તેટલું ડોનેશન આપી શકાય છે. આ યોજના અંતર્ગત કોઈ જ વ્યકિત કોઈ જ રાજકીય પક્ષને ૨૦૦૦ રૂપિયાથી વધુનું રોકડ દાન નહીં આપી શકે.

આવકવેરા વિભાગની આ જાહેર એડવાઈઝરી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવકવેરા વિભાગની કલમમાં પણ ઈલેકટોરલ બોન્ડ અને સંબંધિત વિગતોનો સત્તાવાર રીતે સમાવેશ થઈ ગયો છે. વિભાગે આ સાથે જ બે લાખ રૂપિયા કે તેનાથી વધુની રોકડ રકમ એક જ દિવસમાં કોઈ વ્યકિત પાસેથી કોઈ ટ્રાન્ઝેકશન પેટે ન સ્વીકારવાની પણ સલાહ આપી છે. આ ઉપરાંત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પેટે ૨૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુ રકમ ન સ્વીકારવા કે ન ચૂકવવાની પણ સલાહ આપવામાં આવી છે. બિઝનેસ કે વ્યવસાયના ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રોકડ રકમ ન ચૂકવવા પણ કહેવાયું છે.(૨૧.૮)

(10:08 am IST)