Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દિલ્હીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશઃ રૂ. ૧૪૦૦ માં કોરોનાના ગમે તેવા રિપોર્ટ મળી જતા'તાઃ નેગેટીવને પોઝીટીવ અને પોઝીટીવને નેગેટીવ કરીને રિપોર્ટ અપાતો

નવી દિલ્હી: કોરોનાનો વાયરસ મહામારી બનીને આખા દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવી કટોકટીને પણ કેટલાક લોકોએ વેપલો બનાવી દીધો છે. ગુરુગ્રામમાં સીએમ  ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમે દરોડા પાડીને એક એવી ફેક લેબનો ભાંડાફોડ કર્યો છે જ્યાં કોરોનાના રિપોર્ટને નેગેટિવથી પોઝિટિવ અને પોઝિટિવથી નેગેટિવ બનાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ માટે માત્ર 1400 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. લોકોના જીવ સાથે આવા ચેડા?

ઓફિસમાંથી રજા લેવાની હોય, વિદેશ જવાનું હોય કે પછી હવાઈ મુસાફરી કરવાની હોય...જેવું પણ હોય તમને તે પ્રમાણે રિપોર્ટ મળી જશે. શહેર-શહેર સંક્રમણના ગ્રહણ વચ્ચે આવા સમાચાર ખરેખર ચિંતાજનક છે. આમ જુઓ તો આ લેબ અન્ય કોરોના ટેસ્ટ લેબ જેવી જ છે પરંતુ અહીં જે થઈ રહ્યું હતું તે આખા દેશ સાથે ભયંકર દગો હતો. 

ગુરુગ્રામના સૈની ખેડામાં સ્વાસ્થ્ય વિભાગના નાક નીચે આ લેબમાં કાળા કારનામાને અંજામ અપાઈ રહ્યો હતો. માત્ર 1400 રૂપિયામાં આ લેબથી વિદેશ જવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરાવી શકાતો હતો. માત્ર 1400 રૂપિયામાં હવાઈ મુસાફરી માટે નેગેટિવ રિપોર્ટ તૈયાર થઈ શકતો હતો અને માત્ર 1400 રૂપિયામાં ઓફિસમાંથી રજા લેવા માટે ખોટો રિપોર્ટ બનાવવામાં આવતો હતો. 

જેવી જરૂરિયાત તે પ્રમાણે કોરોના રિપોર્ટ બનાવવામાં આવતો હતો. આ લેબમાં કોરોનાનો નકલી રિપોર્ટ બનાવીને ખબર નહીં કેટલીય જિંદગીઓ સાથે રમત રમાઈ ચૂકી હશે અને આ સત્ય જો હજુ બહાર ન આવત તો આગળ શું થાત એ કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે. હરિયાણા સીએમની ફ્લાઈંગ સ્ક્વોડે આ દરોડો પાડીને પર્દાફાશ ન કર્યો હોત તો પરિસ્થિતિ શું થાય તે વિચારતા પણ ડર લાગે છે. 

ગુરુગ્રામમાં ડ્રગ્સ વિભાગના અધિકારી અમનદીપ ચૌહાણે કહ્યું કે, 'આ લેબને ચલાવનારા બે લોકોની ધરપકડ કરાઈ છે. મોટી વાત એ છે કે બંનેને કોરોનાના સેમ્પલ સુદ્ધા લેતા આવડતા નથી. પરંતુ આ ઝોલાછાપ લેબ સંચાલકોએ આમ છતાં અનેક કોરોના પોઝિટિવ લોકોને વિદેશ પ્રવાસ કરાવી દીધા.'

અધિકારીએ વધુમાં કહ્યું કે આ આખો ફર્જીવાડો દિલ્હીની એક લેબના નામે ચાલતો હતો અને હવે તપાસની કડીઓ જોડવામાં આવી રહી છે. આ આખા ખેલનો પર્દાફાશ થવાની તૈયારી છે. બંને ઝોલાછાપ લેબ સંચાલકો પાસેથી હવે તપાસ ટીમ એ જાણવામાં લાગી છે કે આ લોકોએ ફેક રિપોર્ટ તૈયાર કરીને કેટલા લોકોને વિદેશ મોકલ્યા અને કેટલા લોકોએ ઓફિસમાંથી રજા માટે ખોટા રિપોર્ટ આપ્યા. 

(5:37 pm IST)
  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST