Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાહુલ ગાંધી સહિત નેતાઓના શ્રીનગર જવાના હેવાલ વચ્ચે તંત્રએ કહ્યું કાશ્મીર ન આવો અને સહયોગ કરો

અમે લોકોને આતંકવાદીઓથી બચાવવામાં રોકાયેલા છીએ: નેતાઓની મુલાકાતને કારણે અસુવિધા થશે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગેનો તાગ મેળવવા માટે 9 નેતાઓ સાથે શ્રીનગર જવાની ખબરો વચ્ચે જમ્મુ કાશ્મીરના વ્યવસ્થાતંત્રએ રાહુલ ગાંધીને સંબોધીને એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષી નેતા કાશ્મીર ન આવો અને સહયોગ કરો. 

વ્યવસ્થાતંત્રએ ટ્વીટમાં વધુ લખ્યું હતું કે, નેતાઓની મુલાકાતને કારણે અસુવિધા થશે. અમે લોકોને આતંકવાદીઓથી બચાવવામાં રોકાયેલા છીએ.

વ્યવસ્થાતંત્રે એમ પણ કહ્યું કે નેતાઓ પણ તે પ્રતિબંધનું ઉલ્લંઘન જ કરશે. વરિષ્ઠ નેતાઓએ સમજવું જોઈએ કે શાંતિ જાળવવા, વ્યવસ્થા જાળવી રાખવા અને નુકસાન અટકાવવાને ટોચની અગ્રતા આપવામાં આવે.

આ દરમિયાન રાહુલ સહિતના નેતાઓ પરિસ્થિતિનો તાગ મેળવશે અને સ્થાનીક લોકો સાથે મુલાકાત પણ કરશે. આ પહેલા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવા અંગેનું આમંત્રણ આપ્યું હતું. જેને લઇને રાહુલ ગાંધી શનિવારે શ્રીનગરના પ્રવાસે જનાર છે.

નેતાઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, સીપીઆઈના ડી રાજા, સીપીઆઈ (એમ) સીતારામ યેચુરી, ડીએમ રે ટી શિવા, એનસીપીના માજિદ મેમણ, આરજેડીના મનોજ ઝા સામેલ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષી નેતાઓના દળને જમ્મુ કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દરમિયાન દળના નેતાઓ લોકોને મળી શકે તેવી તક પણ આપવામાં આવે. રાહુલે રાજ્યપાલને સંબોધિત કરતા ટ્વીટ કર્યું હતું કે વિપક્ષના નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આવવાના નિમંત્રણનો સ્વીકાર કરવા માગે છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને આડેહાથ લેતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કાશ્મીરની સ્થિતિને લઇને ખોટું બોલી રહ્યા છે. ત્યારે કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ 2 વખત જમ્મુ કાશ્મીર ગયા હતા. પરંતુ પ્રથમ વખત શ્રીનગર એરપોર્ટ તો બીજી તરફ જમ્મુ એરપોર્ટથી પરત દિલ્હી ફર્યા હતા

(10:38 pm IST)